અમદાવાદ: ગુજરાતનું નામ પડે એટલે એશિયાટિક સાવજોની ત્રાડ યાદ આવે, કચ્છનું સફેદ ચાંદા સરીખું રણ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના સ્થળો તો સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોર, માતાના મઢ, પાવાગઢ જેવા યાત્રાધામોનું સ્મરણ થઈ આવે. ગુજરાત સંસ્કૃતિની સાથે જ જીવસૃષ્ટિનું પણ અનહદ વૈવિધ્ય ધરાવે છે. ગુજરાતનું ભૂગોળ જોઈએ તો રાજ્યને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી લાંબા દરિયા કિનારાનો વારસો મળ્યો છે અને હવે આ દરિયાકાંઠો જ ગુજરાતના પ્રવાસનની નવી ઓળખ પણ બની રહ્યો છે. હવે ગુજરાતમાં માત્ર સિંહ, વાઘ, દીપડા, ઘૂડખર જ નહિ પણ ડોલ્ફિન પણ જોવા મળે છે.
No Need to Travel Abroad to Witness Dolphins Anymore…
— Arjun Modhwadia (@arjunmodhwadia) May 26, 2026
Just Come to Gujarat!
Experience Magic of Nature Like Never Before - Right Here in Gujarat! pic.twitter.com/JKe5qFPnfJ
વર્ષ 2024માં ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે ગુજરાતના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ હતી. ત્યારે રાજ્ય સરકારના પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ ટ્વીટર પર વીડિયો શેર કર્યો છે. જેમાં ગુજરાતના દરિયાકાંઠે ડોલ્ફિન મસ્તી સાથે કુદકા મારતી જોવા મળે છે. આ સાથે જ તેમણે લખ્યું કે, 'ડોલ્ફિન જોવા માટે હવે વિદેશ જવાની જરૂર નથી... બસ ગુજરાત આવો! ગુજરાતના પહેલા ક્યારેય ન જોયેલા કુદરતના જાદુનો અનુભવ કરો.'
ઉલ્લેખનીય છે કે ગુજરાતને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકાંઠો મળ્યો છે. ગુજરાતને સિંધુ સભ્યતાથી જ દરિયાઈ વ્યાપારનો ઇતિહાસ અને વારસો મળ્યા છે. ત્યારે હવે આ દરિયાકાંઠાના આકર્ષણમાં ડોલ્ફિન જેવા જીવસૃષ્ટિએ પણ વધાર્યું છે. ડોલ્ફિન માછલીએ દરીયાઈ જીવમાં સૌથી વધુ બુધ્ધિશાળી અને રમતીયાળ જીવ માનવામાં આવે છે. જયારે 2 કે તેથી વધુ ડોલ્ફિન સાથે હોય ત્યારે દરીયામા મસ્તી સાથે કુદકા મારતી જોવા મળે છે.
વર્ષ 2024ની ડોલ્ફિન વસ્તીગણતરીના આકડાઓ પર નજર કરીએ કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના, ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા 1384 ચો.કિ.મીનીના વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન હોવાનો વન વિભાગે અંદાજ લગાવ્યો હતો. જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના 1821 ચો.કિ.મી.માં 168, ભાવનગરના 494 ચો.કિ.મી.માં 10 તેમજ મોરબીના 388 ચો.કિ.મી.માં 4 ડોલ્ફિન જોવા મળી છે. આમ કુલ મળીને 4087 ચો.કિ.મી. ના દરિયા વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ હતી.