Tue Oct 06 2026

Logo

જામનગર જિલ્લામાં સુરક્ષા એજન્સીઓની સતર્કતા, નશીલા પદાર્થોની હેરાફેરીને લઇ મરીન ટાસ્ક ફોર્સનું પેટ્રોલિંગ

2026-10-05 12:16:00
Author: Mumbai Samachar Team
જામનગર જિલ્લામાં સુરક્ષા એજન્સીઓની સતર્કતા, નશીલા પદાર્થોની હેરાફેરીને લઇ મરીન ટાસ્ક ફોર્સનું પેટ્રોલિંગ

શંકાસ્પદ હિલચાલ અંગે માછીમારો સાથે સંવાદ કરી તાત્કાલિક જાણ કરવા કહ્યું

જામનગર : વૈશ્વિક પરિસ્થિતિમાં ખાસ કરીને વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિને ધ્યાને લઈ દેશની દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે. તેના ભાગરૂપે જામનગર જિલ્લાના સંવેદનશીલ સાગરકાંઠા તથા ટાપુ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ સઘન દરિયાઈ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પગપાળા અને બોટથી સઘન પેટ્રોલિંગ

ઝિંદ્રા ટાપુ, દંડીકા ટાપુ, મુંડીકા ટાપુ તથા સચાણા કોસ્ટલ વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં મરીન કમાન્ડોની વિવિધ ટીમો દ્વારા પગપાળા તેમજ બોટ મારફતે સઘન પેટ્રોલિંગ અને ચકાસણી કરવામાં આવી હતી. દરિયાઈ માર્ગે ઘૂસણખોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિ, હથિયારો તથા નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને અટકાવવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) તથા કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્માના સીધા માર્ગદર્શન હેઠળ, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા મરીન ટાસ્ક ફોર્સ, હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના નેતૃત્વ હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.પી. પારેખના માર્ગદર્શન હેઠળ આ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

બેડી મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ

મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જી.એમ. બોપલિયા સહિત મરીન કમાન્ડોની ટીમો તથા બેડી મરીન પોલીસના સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠા તથા ટાપુ વિસ્તારોની આસપાસની શંકાસ્પદ હિલચાલ, અજાણી વ્યક્તિઓ, બોટો તથા અન્ય પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.

 નિર્જન વિસ્તારોમાં સઘન તપાસ

આ ઉપરાંત ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો તેમજ અવાવરું અને નિર્જન વિસ્તારોમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમોને ચોક્કસ વિસ્તારોની જવાબદારી સોંપી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી.

પેટ્રોલિંગ દરમિયાન વિવિધ માછીમારી વસાહતો તથા ફિશિંગ સેન્ટરોની મુલાકાત લઈ માછીમારો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. દરિયામાં અથવા દરિયાકાંઠે અજાણી બોટ, અજાણી વ્યક્તિ કે કોઈપણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ મથક અથવા સુરક્ષા એજન્સીને જાણ કરવા માછીમારોને અપીલ કરવામાં આવી હતી.

જામનગર જિલ્લાનો વિશાળ દરિયાકાંઠો, બંદરો, જેટીઓ, ઔદ્યોગિક એકમો તથા વ્યૂહાત્મક મહત્વ ધરાવતા વિવિધ સ્થળોને ધ્યાને લઈ દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. આથી નિયમિત પેટ્રોલિંગ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં સમયાંતરે વિશેષ સઘન ચકાસણી અને દેખરેખ હાથ ધરવામાં આવી રહી છે.

સુરક્ષા એજન્સીઓની તૈયારીઓ

સુરક્ષા એજન્સીઓ દ્વારા આગામી દિવસોમાં પણ સાગરકાંઠા તથા ટાપુ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ, દેખરેખ અને ચકાસણીની કામગીરી યથાવત્ રાખવામાં આવશે. સ્થાનિક માછીમારો તથા દરિયાકાંઠાના રહેવાસીઓના સહયોગથી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવામાં આવશે.

જામનગર જિલ્લાના સંવેદનશીલ સાગરકાંઠા તથા ટાપુ વિસ્તારોમાં હાથ ધરાયેલા આ મેગા પેટ્રોલિંગથી દરિયાઈ સુરક્ષા અંગેની સતર્કતા અને તૈયારીઓ વધુ મજબૂત બનાવવામાં આવી છે.