Sun Aug 23 2026

Logo

વિરોધીઓ જ નહીં, પણ રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ઊંઘ હરામ કરનારી બ્યુટી ક્વીન કેમ ચર્ચામાં આવી?

Moscow   2026-04-20 17:35:00
Author: Devayat Khatana
Article Image

Vladimir Putin (Getty)


મોસ્કો: સામાન્ય રીતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિરોધમાં બોલનારનું અસ્તિત્વ જોખમમાં આવી જતું હોય છે. એલેક્સી નવેલની, બોરિસ નેમતસોવ અને યેવગેની પ્રિગોઝિન જેવા અનેક વિરોધીઓ કાં તો માર્યા ગયા છે અથવા ગુમ થઈ ગયા છે. તાજેતરમાં જાણીતી લેખિકા ઈલ્યા રેમેસ્લોને પુતિનની ટીકા કરવા બદલ પાગલ જાહેર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, રશિયાના ઈતિહાસમાં પહેલીવાર એક મહિલા બ્લોગર કમ મોડલની ટીકાએ પુતિનની ઊંઘ ઉડાવી દીધી છે અને સ્થિતિ એવી સર્જાઈ છે કે રાષ્ટ્રપતિ કાર્યાલયને પોતાની ભૂલ સ્વીકારીને સત્તાવાર જવાબ આપવાની ફરજ પડી છે.

રશિયાની જાણીતી વીડિયો બ્લોગર અને મોડલ વિક્ટોરિયા બોન્યાએ સોશિયલ મીડિયા પર પુતિનને સીધો પડકાર ફેંકતી એક પોસ્ટ મૂકી છે. બોન્યાએ લખ્યું હતું કે, "રાષ્ટ્રપતિ, લોકો તમારાથી ડરે છે એટલે કશું બોલી શકતા નથી, પણ હું હિંમત કરી રહી છું." તેણે રશિયાની ગંભીર સમસ્યાઓ જેવી કે દગેસ્તાનમાં પૂર, કાળા સમુદ્રના કિનારે તેલનું પ્રદૂષણ, સાઇબિરીયામાં પશુઓનો શિકાર, ઈન્ટરનેટ બ્લેકઆઉટ અને વધતા કરવેરાને કારણે નાના વ્યવસાયો પર આવતા દબાણ મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી.

social media/WillWest News/Profimedia

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર જોતજોતામાં ૨૬ મિલિયનથી વધુ વ્યુઝ મેળવી ચૂક્યો છે અને સમગ્ર યુરોપમાં તેની ચર્ચા થઈ રહી છે. જનતાના ભારે આક્રોશ અને વીડિયોની લોકપ્રિયતાને જોઈને પુતિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સરકાર આ મુદ્દાઓ પર સતત કામ કરી રહી છે. પુતિન જેવા સરમુખત્યાર શાસક માટે કોઈ સામાન્ય નાગરિકની ટીકાને સ્વીકારવી એ એક મોટી અને આશ્ચર્યજનક ઘટના માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે 46 વર્ષીય વિક્ટોરિયા બોન્યા રશિયાની ખૂબ જ પ્રભાવશાળી મહિલા સેલિબ્રિટી માનવામાં છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 13 મિલિયન ફોલોઅર્સ છે. 2006માં રિયાલિટી શો ‘ડોમ-૨’થી જાણીતી થયેલી બોન્યાએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. એક સમયે પ્લાસ્ટિક ફેક્ટરીમાં વેઈટ્રેસ અને રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરનાર વિક્ટોરિયા આજે લાઈફસ્ટાઈલ બ્લોગર તરીકે રશિયન યુવાનોમાં લોકપ્રિય છે.