Mon Apr 20 2026

Logo

AAPના હવાલા કૌભાંડથી ખળભળાટ: દિલ્હીથી સુરત 5 મહિનામાં રૂ. 1.50 કરોડ પહોંચાડ્યા

2026-04-20 10:45:00
Author: Mayurkumar Patel
Article Image

સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન દિલ્હી-સુરત વચ્ચે આંગડિયા મારફતે પોલિટિકલ ફન્ડિંગ સિન્ડિકેટનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ હતી.દિલ્હીના આમ આદમી પાર્ટીના પૂર્વ આરોગ્ય પ્રધાનના અંગત મદદનીશ રહી ચુકેલા આકાશ મિશ્રા અને  અજય તિવારી સુરતમાં આ નેટવર્કને સંભાળતા હતા. જેલમાં પોલીસે  આકાશની પૂછપરછ કરી હતી. પાંચ મહિનાના સમયગાળામાં રૂ.1.50 કરોડથી વધુ રકમ દિલ્હીથી સુરત આવી હોવાનું જણાવ્યું હતું. દિલ્હીના પનીરના વેપારી દ્વારા સુરત પૈસા મોકલવામાં આવ્યા હતા. 

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ 26 તારીખના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે અને અલગ અલગ પક્ષ દ્વારા પ્રચાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે અનેક પ્રકારની તરકીબ અજમાવતા હોય છે. જેમાં ખાસ કરીને રૂપિયાનો ઉપયોગ થતો હોય છે. આવા સમયે પોલીસ અને આઈ.બી.દ્વારા રૂપિયાની લાલચ આપીને મત ખરીદનારાઓ પર ખાસ વોચ રાખવામાં આવતી હોય છે. ઉમરા પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઘણા સમયથી દિલ્હીના આકાશ મિશ્રા અને અજય તિવારી પર નજર રાખવામાં આવી રહી હતી.જેમાં મહિધરપુરાની એક આંગડીયા પેઢીમાં છેલ્લા પાંચ મહિનાના સમયગાળામાં દિલ્હીથી રૂ.1.50  કરોડથી પણ વધુ રકમ સુરતમાં મોકલવામાં આવી હતી અને આ રકમ આકાશ મિશ્રા અને અજય તિવારીએ રીસીવ કરી હતી.

મિશ્રાને ડીસીબીમાં આકાશ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. જેમાં એવો ખુલાસો થયો હતો કે દિલ્હીના આમ આદમી પાર્ટીના અત્યંત મહત્વના ગણાતા પનીરના વેપારી હિમાંશુ પાહુજા આ હવાલા નેટવર્ક ચલાવતો હતો અને દિલ્હીથી આંગડીયા પેઢી મારફતે કરોડો રૂપિયા મોકલતો હતો.  આમ આદમી પાર્ટીના પૂર્વ આરોગ્ય પ્રધાન રહી ચુકેલા સત્યેન્દ્ર જૈનનો અંગત મદદનીશ રહી ચુકેલા આકાશ મિશ્રાને રૂપિયા મોકલવામાં આવતા હતા. ગુજરાતમાં ચૂંટણી લક્ષી ફન્ડિંગ મોકલવામાં આવતું હતું. આકાશ મિશ્રા અને અજય તિવારી સુરતમાં પીપલોદ વિસ્તારમાં આવેલા પ્રગતિ નગરમાં ભાડેથી રહેતા હતા. તેમજ દિલ્હીથી હિમાંશુ પાહુજા જે રૂપિયા મોકલે તે આકાશ મિશ્રા અને અજય તિવારી રિસીવ કરીને સુરતનું આમ આદમી પાર્ટીનું રાજકીય માળખું સંભાળતા હતા તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે મહીધરપુરાની આંગડીયા પેઢીના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા જેમાં રૂ.20 લાખ જેટલી રકમ આકાશ મિશ્રા અને અજય તિવારી લેતા નજરે પડ્યા હતા.  

જોક આ હવાલા રેકેટમાં બીજા 10ના નામ ખુલ્યા છે, જેની પણ આગામી દિવસોમાં પૂછપરછ કરવામાં આવશે. તેમજ હિમાંશુ પાહુજાને પણ દિલ્હીથી સુરત બોલાવીને તેની પણ પૂછપરછ કરવામાં આવશે.આ પ્રકરણમાં સુરત ઇન્કમટેક્ષ વિભાગને પોલીસે જાણ કરી હતી. જેથી ઇન્કમટેક્ષ વિભાગ પણ કરશે.

આમ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડ સામે આવતા પ્રચાર દરમિયાન ગરમાવો આવી શકે છે.