વોશિંગ્ટન: અમેરિકા અને ઈઝરાયલની સંયુક્ત કાર્યવાહી પછી ઈરાન સાથે મિડલ ઈસ્ટમાં તણાવનું નિર્માણ થયું છે, ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવું નિવેદન આપ્યું છે. આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન વાતચીત કરવા ઈચ્છે છે, પરંતુ તેમણે કહ્યું છે કે હવે મોડું થઈ ગયું છે. ઈરાન સહિત મિડલ ઈસ્ટમાં ગંભીર હાલતનું નિર્માણ થયા પછી આજે ટ્રમ્પે નવો દાવો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં કહ્યું છે કે તહેરાન પર અમેરિકા-ઈઝરાયલની સંયુક્ત કાર્યવાહી વચ્ચે ઈરાનનું ટોચનું નેતૃત્વ વાતચીત કરવા ઈચ્છે છે, પરંતુ રિપબ્લિકન નેતાએ કહ્યું કે હવે બહુ મોડું થઈ ગયું છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાનની વાયુસેના, નૌકાદળ ખતમ થઈ ગયું છે. આ અગાઉ ટ્રમ્પે ગઈકાલે કહ્યું હતું કે ઈરાન સામેનું યુદ્ધ કદાચ ચારથી પાંચ સપ્તાહ કરતા વધુ પણ ચાલી શકે છે.
લાંબા સમય સુધી યુદ્ધ ચાલુ રાખવાની ક્ષમતા
રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન વિરુદ્ધ લશ્કરી અભિયાન ચારથી પાંચ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. જોકે ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પાસે તેનાથી પણ લાંબા સમય સુધી યુદ્ધ ચાલુ રાખવાની ક્ષમતા છે. અમેરિકા અને ઈરાનના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા બાદ ઈરાને વળતા હુમલાઓ શરૂ કર્યા છે. ઈરાને ઈઝરાયલ અને મિડલ ઈસ્ટમાં અમેરિકાના સાથી દેશોમાં ડ્રોન અને મિસાઈલ હુમલાઓ કર્યા હતા.
પરમાણુ બોમ્બ કાર્યક્રમને અટકાવો અશક્ય થાત
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈરાન પર હુમલો કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ઈરાન ન્યુક્લિયર પ્રોગ્રામને આગળ વધારવા માટે નવી સાઈટ્સ અને નવી જગ્યા બનાવી રહ્યું હતું. જેનાથી થોડા જ મહિનામાં તેમનો બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમ અને તેમનો પરમાણુ બોમ્બ કાર્યક્રમને અટકાવો અશક્ય થઈ જાત અને તે પરમાણુ બોમ્બ બનાવી શક્યું હોત. જોકે તેમણે આ અંગેના કોઈ પુરાવા આપ્યા નહોતા.
ચીન ક્રૂડ ઓઈલ મિડલ ઈસ્ટમાંથી આયાત કરે છે
બીજી તરફ ન્યૂઝ એજન્સી એપી તરફથી વિશ્લેષણ કરાયેલી કેટલીક તસવીરોમાં યુદ્ધ પહેલા ઈરાનમાં બે પરમાણુ સ્થળો પર ઓછી પ્રવૃત્તિ જોવા મળી હતી. વિશ્લેષકોનું કહેવું છે કે કદાચ ઈરાન જૂનમાં અમેરિકાએ હુમલાઓથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાનો અને કદાચ ત્યાં જે બાકી રહ્યું છે તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું.બીજી તરફ ચીને તમામ પક્ષોને યુદ્ધ બંધ કરવા અને જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવાની માંગ કરી હતી. ચીન પોતાની જરૂરિયાતોની મોટા ભાગનું ક્રૂડ ઓઈલ મિડલ ઈસ્ટમાંથી આયાત કરે છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી હતી અને જહાજોને અહીંથી પસાર ન થવાની ચેતવણી આપી હતી.
Chinese Foreign Ministry spokeswoman Mao Ning
રશિયા-ચીને પણ આપી હતી ચેતવણી
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે ચીન તમામ પક્ષોને તાત્કાલિક લશ્કરી કાર્યવાહી બંધ કરવા, તણાવ ઘટાડવા, હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષા કરવા અને વૈશ્વિક અર્થતંત્ર પર વધુ અસર થતી અટકાવવાની અપીલ કરે છે. દરમિયાન ઈરાન સામેના જંગ મુદ્દે રશિયાની ચોંકાવનારી પ્રતિક્રિયા મળી છે. રશિયન સરકારી ન્યુક્લિયર કંપની રોસોટોમએ કહ્યું છે કે ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર ઈઝરાયલ-અમેરિકાના હુમલા આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યા છે, જ્યારે ન્યુક્લિયર પ્લાન્ટને તો ક્યારેય નિશાન બનાવાય નહીં.
ઈરાનમાં 700થી વધુ લોકોનાં મૃત્યુ
ઈરાનએ પડોશી દેશ આરબ રાષ્ટ્રો પર મિસાઈલ અને ડ્રોન એટેક કર્યા છે અને હોર્મુઝ ખાડીમાં અવરજવર કરનારા વાહનો પર અસર થઈ છે. અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધને કારણે ઈરાનમાં 787 લોકોનાં મોત થયા છે, જ્યારે ઈઝરાયલમાં ઈરાનના હુમલાથી 11 લોકોના જીવ ગયા છે, જ્યારે આ યુદ્ધને કારણે મિડલ ઈસ્ટ જ નહીં, પરંતુ દુનિયાભરના પર્યટકો પણ આરબ દેશોમાં ફસાયા છે.