અમદાવાદઃ ગુજરાત સરકાર રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા ટૂંક સમયમાં નવી હોટેલ અને પ્રવાસન નીતિ જાહેર કરે તવી શક્યતા છે. હોસ્પિટાલિટી ક્ષેત્રે રોકાણ આકર્ષવાના હેતુથી ટેક્સમાં રાહત, વધુ FSI અને ઝડપી મંજૂરી આપવામાં આવી શકે છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલાં 300 નવી હોટેલ્સ અને 60,000 રૂમ ઉમેરવાનો લક્ષ્યાંક છે. આ નીતિ માત્ર અમદાવાદ કે અન્ય મુખ્ય શહેરો પૂરતી સીમિત નહીં રહે. નાના શહેરોને પણ આમાં સમાવાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મેડિકલ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઈન્સેન્ટિવની વિચારણા થઈ રહી છે, જેથી વેલનેસ સેન્ટર્સ પણ આ નીતિમાં આવરી લેવામાં આવશે. વેલનેસ સેન્ટર્સનો ખ્યાલ ગુજરાત માટે પ્રમાણમાં નવો છે. આવા મોટાભાગના કેન્દ્રો દક્ષિણના રાજ્યોમાં વધારે છે.
સિંગલ-વિન્ડો ક્લિયરન્સ
પ્રસ્તાવિત નીતિમાં સિંગલ-વિન્ડો ક્લિયરન્સ અને સમયબદ્ધ મંજૂરીઓ પણ આપવામાં આવી શકે છે. નવી હોટેલ્સના આયોજન, ફાઇનાન્સ અને નિર્માણમાં ઘણો સમય લાગતો હોવાથી ઉદ્યોગ જગત વહેલી જાહેરાત માટે દબાણ કરી રહ્યું છે. સરકારી અંદાજ મુજબ, ગેમ્સ પહેલાં ગુજરાતને લગભગ 60,000 રૂમ ધરાવતી 300થી વધુ વધારાની હોટેલ્સની જરૂર પડી શકે છે.
'ઓરેન્જ ઇકોનોમી' પર ભાર
આ પ્રક્રિયાનો બીજો પાસું પણ છે. સરકાર રાજ્યમાં મોટા કોન્સર્ટ અને અન્ય મનોરંજન કાર્યક્રમોને આકર્ષવા માટે પ્રોત્સાહનો પર કામ કરી રહી છે. આ ઈવેન્ટ્સ ઈકોનોમીને ઓરેન્જ ઈકોનોમી નામ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ઘણા મોટા કોન્સર્ટ યોજાયા છે. સૂત્રો મુજબ આ ક્ષેત્ર હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટથી લઈને ફૂડ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સુધીની વ્યાપક આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપી શકે છે. સૂત્રો મુજબ
આવા કાર્યક્રમો લોકો પાસેથી ચાર્જ લેતા હોવાથી તેમના માટે કોઈ નાણાકીય લાભો નહીં હોય, પરંતુ સરકાર મોટા કાર્યક્રમોના આયોજનમાં સુવિધા પૂરી પાડશે.
વેડ ઇન ગુજરાત
સરકાર ગુજરાતને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા માંગે છે, અને તેને ટેકો આપવા માટે દારૂબંધીના નિયમોમાં ફેરફાર કરવા અંગે વિચારણા ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇવેન્ટ-વિશિષ્ટ ગ્રુપ પરમિટ માટેના પ્રસ્તાવ પર કામ કરવામાં આવી રહ્યું છે, જેનો હેતુ ગુજરાતના ડેસ્ટિનેશન વેન્યુ પર લગ્નોનું આયોજન સરળ બનાવવાનો છે અને સાથે જ દારૂના નિયંત્રણોમાં મર્યાદિત છૂટછાટ આપવાનો છે.
નોંધનીય છે કે રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કરતી વખતે વેડ ઇન ગુજરાત પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગુજરાતના ધાર્મિક વારસા, વિશાળ દરિયાકાંઠા, રણ પ્રદેશ અને ઐતિહાસિક સ્થળોનો ઉપયોગ કરીને રાજ્યને લગ્ન માટેના અગ્રણી સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. ગુજરાત સરકાર રાજ્યને વેડિંગ અને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂબંધીના કારણે લગભગ 500 શાહી લગ્નો રાજસ્થાનમાં યોજાય છે. જેના કારણે રાજ્યને વેડિંગ બિઝનેસમાં દર વર્ષે અંદાજે રૂ. 1,500 કરોડનું નુકસાન થાય છે.
સૂત્રો મુજબ હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેસ્ટિનેશન વેડિંગ્સ, એન્ટરટેઇનમેન્ટ ઇવેન્ટ્સ અને વેલનેસ ટૂરિઝમ 2030 સુધીમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વધુ વ્યાપક વેગ આપી શકે છે. તેથી આ અંગેની નીતિ ટૂંક સમયમાં સરકાર જાહેર કરે તેવી શક્યતા છે.