Mon Oct 05 2026

Logo

ઇરાન અમેરિકા વચ્ચે ભીષણ યુદ્ધની શકયતા, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા અમેરિકા સૈન્ય તૈનાત કરશે

washington dc   2026-04-12 19:19:00
Author: Chandrakant Kanoja
ઇરાન અમેરિકા વચ્ચે ભીષણ યુદ્ધની શકયતા, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા અમેરિકા સૈન્ય તૈનાત કરશે

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ નિવડી છે. જેની બાદ ઈરાનને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ઈરાનને ચેતવણી આપી છે. તેમજ તેની માટે અમેરિકન લશ્કરી દળોને તૈનાત કરવાની પણ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. 

 બે વિનાશક યુદ્ધ જહાજો હોર્મુઝ સ્ટ્રેટના મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી પસાર થયા 

અમેરિકાની સેનાએ  જણાવ્યું હતું કે તેના બે વિનાશક યુદ્ધ જહાજો હોર્મુઝ સ્ટ્રેટના મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી પસાર થયા છે. યુદ્ધ ફાટી નીકળ્યા પછી આ પહેલી ઘટના છે કે  અમેરિકાએ  હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ઈરાન દ્વારા પાણીની અંદર નાખેલી વિસ્ફોટક માઇનો દૂર કરવાની તૈયારીઓ શરૂ કરી છે. 

હોર્મુઝ સ્ટ્રેટની અડચણને દૂર કરી રહ્યા છીએ

આ અંગે ટ્રમ્પે ટિપ્પણી કરી છે કે, અમે હોર્મુઝ સ્ટ્રેટની અડચણને દૂર કરી રહ્યા છીએ.તેમજ કોઈ કરાર થાય કે ન થાય તેનાથી મને કોઈ ફરક પડતો નથી.રવિવાર સવાર સુધી ચાલી રહેલી વાટાઘાટો દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું હતું. જોકે, ઈરાનના  મીડિયાએ દેશના સંયુક્ત લશ્કરી કમાન્ડને ટાંકીને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં આવી રહ્યો હોવાનો ઇનકાર કર્યો છે.

અમેરિકાએ પહેલા પણ ઘણી વખત વિશ્વાસ તોડ્યો છે

જ્યારે બીજી તરફ ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ જણાવ્યું છે કે જો તેમના દેશ પર ફરીથી હુમલો કરવામાં આવે તો તહેરાન મક્કમ જવાબ આપવા તૈયાર છે. જોકે, પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે શાંતિ મંત્રણા શરૂ થાય તે પૂર્વે  જ  ઈરાને કહ્યું હતું કે તે યુદ્ધવિરામ વાટાઘાટોમાં ભારે અવિશ્વાસ સાથે પ્રવેશ કરી રહ્યું છે.  કારણ કે અમેરિકા પર વિશ્વાસ નથી ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે અમેરિકાએ પહેલા પણ ઘણી વખત વિશ્વાસ તોડ્યો છે. તે ક્યારેય કોઈ કરારનું પાલન કરતું નથી.