મહેસાણા: વડનગરના શાહપુર વાડમાં રહેતા ગિરિશ પરમારે રવિવારે વડનગર સિવિલ હૉસ્પિટલના ચોથા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવી નાખ્યું હતું. માત્ર આત્મહત્યાનો લાગતો આ કેસ ગિરિશના ખિસ્સામાં રાખેલી સ્યૂસાઈડ નોટને કારણે મર્ડર મિસ્ટ્રી જેવી ઘટનામાં પરિવર્તિત થઈ ગયો હતો.
ગિરિશે સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે તેણે તેની પત્ની પ્રિયંકા અને પુત્રી પરીને મારી નાખ્યા છે અને તેના મૃતદેહો ઘરના આંગણે દાટી દીધા છે. તેની આ માહિતી અનુસાર પોલીસ સોમવારે તેના ઘરે ગઈ હતી અને બે કલાકના ખોદકામ બાદ માતા અને પુત્રીના હાડપિંજર બહાર કાઢ્યા હતા. તેમની ઓળખ માટે હવે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે એક ચાકુ પણ મળ્યું હતું, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
મૃતક પ્રિયંકા રાવલનાં પિતાના જણાવ્યા અનુસાર પ્રિયંકા તેના દાદા-દાદી સાથે જ મોટી થઈ હતી. મહેસાણા ખાતે તે ગિરિશને મળી અને બન્નેએ ચાર વર્ષ પહેલા ભાગીને લગ્ન કરી લીધા હતા. તેમને એક પુત્રી હતી. પ્રિયંકા અમુક મહિનાથી પુત્રી સાથે ગાયબ હતી. ગિરિશ આ મામલે પોલીસ ફરિયાદ કરતો ન હતો અને તે દાગીના લઈ ભાગી ગઈ હોવાનું કહેતો હતો. 15 દિવસ પહેલા પ્રિયંકાના દાદાએ પોલીસ ફરિયાદ ફાઈલ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આનાથી ગભરાઈ ગયો હોવાથી ગિરિશ ચોથા માળેથી કૂદી પડ્યો હોય તેમ બની શકે. બન્ને વચ્ચે ઝગડા થતાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હવે પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી આ હત્યાનું કારણ શોધવાનો પ્રયાસ કરશે, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી હતી.