સોનું ન ખરીદવાની પીએમની સલાહ અંગે કોંગ્રેસે કહ્યું આર્થિક નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હૈદરાબાદની રેલીમાં દેશની આત્મનિર્ભરતા મજબૂત કરવા અને વૈશ્વિક ઊર્જા સંકટને પહોંચી વળવા માટે જનતાને સાત વિશેષ અપીલ કરી હતી, જેને લઈ વિપક્ષના નિશાના પર સરકાર આવી ગઈ છે. પીએમ મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા, વિદેશ પ્રવાસ ઘટાડવા, પેટ્રોલ-ડીઝલનો વપરાશ મર્યાદિત કરવા અને ફરીથી 'વર્ક ફ્રોમ હોમ' અપનાવવા વિનંતી કરી હતી, પરંતુ એને લઈ કોંગ્રેસ પાર્ટીએ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.
ખાડી દેશોમાં વધતા તણાવ અને સપ્લાય ચેઈન પરના દબાણને ટાંકીને કરવામાં આવેલી આ અપીલ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ કાર્તિ ચિદમ્બરમે આકરા સવાલો ઉઠાવ્યા છે. કાર્તિ ચિદમ્બરમે પણ પીએમ મોદીની અપીલોને 'નાટકીય' ગણાવી સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી.
जब “ग़रीबी में आटा गीला” हो रहा है तब मोदी जी देश को बचत करने का पाठ पढ़ा रहे हैं।
— Mallikarjun Kharge (@kharge) May 11, 2026
28 फ़रवरी को West Asia में जंग शुरू हुई, कांग्रेस पार्टी ने हर पहलू को highlight किया —
अर्थव्यस्था की बर्बादी,
रुपये का लगातार गिरना,
पेट्रोल-डीज़ल-LPG के दाम और क़िल्लत,
किसानों के लिए…
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પીએમ મોદી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, જ્યારે દેશમાં મોંઘવારી અને બેરોજગારીને કારણે ગરીબોની હાલત કફોડી છે, ત્યારે સરકાર બચતના પાઠ ભણાવી રહી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે જ્યારે ગરીબીમાં આટા ગીલા જેવી સ્થિતિ જેવી છે, ત્યારે મોદીજી દેશને બચત પર ઉપદેશ આપી રહ્યા છે.
ખડગેએ વધુમાં ઉમેર્યું કે ફેબ્રુઆરી મહિનામાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયું ત્યારથી જ કોંગ્રેસે અર્થતંત્રની બરબાદી, રૂપિયાનું પતન અને પેટ્રોલ-ડીઝલની અછત અંગે ચેતવણી આપી હતી, પરંતુ તે સમયે વડા પ્રધાન મોદીએ 'સબ ચંગા સી' કહીને ચૂંટણી પ્રચાર અને રોડ શોમાં વ્યસ્ત હતા.
સરકાર પોતાની નિષ્ફળતા છુપાવે છે
ખડગેએ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ સરકાર પોતાની નિષ્ફળતાઓનો ટોપલો જનતા પર ઢોળી રહી છે. તેમણે કહ્યું કે પીએમ મોદી પોતાની 12 વર્ષની આર્થિક નિષ્ફળતા છુપાવવા માટે હવે લોકોને શું ખરીદવું અને શું નહીં ખરીદવું તેના અંગે સલાહ આપી રહ્યા છે.
સરકાર જનતા સાથે કરે છે મજાક
ખડગેએ તુલસીદાસજીની પંક્તિ 'પર ઉપદેશ કુશલ બહુતેરે' ટાંકીને કહ્યું હતું કે ઘણા લોકો સલાહ આપવામાં માહિર હોય છે, પણ સરકારે વાસ્તવિક આર્થિક સંકટ દૂર કરવામાં નિષ્ફળતા સ્વીકારવી જોઈએ. વિપક્ષે સ્પષ્ટ કર્યું છે કે ફૂડ સિક્યોરિટી, દવાઓના ભાવ અને MSME સેક્ટરના સંકટ પર ધ્યાન આપવાને બદલે હવે સરકાર આવી અપીલો કરે એ જનતા સાથે મજાક બરાબર છે.