Fri May 01 2026

Logo

આવતીકાલે આકાશમાં દેખાશે 'પિંક મૂન': શું ચંદ્ર ખરેખર ગુલાબી થઈ જશે? જાણો શું છે સાચું કારણ...

2026-03-31 22:01:14
Author: Darshana Visaria
Article Image

પહેલી એપ્રિલ 2026ના રોજ આકાશમાં એક મનોહર ખગોળીય ઘટના જોવા મળવાની છે અને આવતીકાલે આ ઘટના જોવાનું ચૂકી ગયા તો તમારે એપ્રિલ, 2027 સુધી રાહ જોવી પડશે. વાત કરીએ શું છે આ ખગોળીય ઘટનાની તો આવતીકાલે આકાશમાં પિંક મૂન (Pink Moon) જોવા મળશે. આ ઘટનાને લઈને લોકોમાં ઘણીવાર ઉત્સુકતા અને મૂંઝવણ બંને જોવા મળે છે, કારણ કે ઘણા લોકો તેને બ્લડ મૂન જેવી જ એક ઘટના માને છે, પરંતુ હકીકતમાં આ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે, જેના વિશે આજે આપણે આ સ્ટોરીમાં વાત કરીશું. 

પિંક મૂન વિશેની સૌથી મોટી ગેરસમજ એ છે કે ચંદ્ર ગુલાબી રંગનો દેખાશે, પરંતુ હકીકતમાં એવું બિલકુલ નથી થતું. આ નામ સંપૂર્ણપણે સાંસ્કૃતિક પરંપરાઓ પર આધારિત છે જે ઋતુમાં થતાં ફેરફારો સાથે જોડાયેલી છે. ઉત્તર અમેરિકામાં એપ્રિલ મહિનામાં 'ગ્રાઉન્ડ ફ્લોક્સ' નામના જંગલી ફૂલો ખીલે છે જે ગુલાબી રંગના હોય છે, અને આ ફૂલોના ખીલવાના સમયને કારણે જ એપ્રિલની પૂનમના ચંદ્રને 'પિંક મૂન' નામ આપવામાં આવ્યું છે. આ એક સામાન્ય પૂનમ જેવો જ નજારો હોય છે જે દર વર્ષે એપ્રિલમાં જોવા મળે છે.

પિંક મૂનથી વિપરીત, બ્લડ મૂન એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન સર્જાય છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની બરાબર વચ્ચે આવી જાય છે, ત્યારે સૂર્યનો સીધો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી. આ સમયે 'રેલે સ્કેટરિંગ' નામની પ્રક્રિયા થાય છે, જેમાં પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતી વખતે ટૂંકી વેવલેન્થ ધરાવતો પ્રકાશ વિખેરાઈ જાય છે અને માત્ર લાંબી લાલ વેવલેન્થ મુડાઈને ચંદ્ર પર પડે છે. આ વૈજ્ઞાનિક કારણોસર ચંદ્રનો રંગ ઘેરો લાલ કે તાંબા જેવો દેખાય છે, જેને આપણે બ્લડ મૂન તરીકે ઓળખીએ છીએ.

વાત કરીએ પિંક મૂન શું છે એની તો પિંક મૂન અને બ્લડ મૂન વચ્ચેના તફાવતની તો પિંક મૂન એ એક ચોક્કસ સમયગાળે થતી ઘટના છે જેનો અંદાજ લગાવી શકાય છે અને તે દર વર્ષે એપ્રિલમાં જ બને છે. બીજી બાજું, બ્લડ મૂન એક દુર્લભ ઘટના છે જે સામાન્ય રીતે દોઢથી ત્રણ વર્ષમાં એક વખત જોવા મળે છે, જોકે તેનું થવું ગ્રહોના ચોક્કસ સંરેખણ પર નિર્ભર હોવાથી તે નક્કી હોતું નથી. પિંક મૂન સામાન્ય પૂનમની જેમ રાતના આકાશમાં તેજસ્વી સફેદ દેખાય છે, જ્યારે બ્લડ મૂન પોતાની લાલ ચમકથી આખાય આકાશનો નજારો બદલી નાખે છે, જે ફોટોગ્રાફરો અને ખગોળ પ્રેમીઓ માટે અત્યંત મનોરમ્ય ઘટના બની રહે છે. આમ, પિંક મૂન એ મૌસમી પરંપરાનું નામ છે, જ્યારે બ્લડ મૂન એ ખગોળીય ઘટનાની અદભૂત અસર છે.