Fri Jun 19 2026

Logo

રાજકોટમાં PGVCLના જનરલ મેનેજર સાથે MDના નામે રૂ. 45.60 લાખની ઓનલાઈન ઠગાઈ

2026-05-05 17:52:19
Author: Devayat Khatana
Article Image

રાજકોટ: સાયબર ગઠિયાઓ અત્યાર સુધી તો લોકોને છેતરતા પણ હવે તો સરકારી કચેરીને પણ નથી મૂકી. હા,  રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ એટલે PGVCLના જનરલ મેનેજરને જ ખોટી ઓળખ આપીને  45.60 લાખની ઠગાઇ આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ  હતી. 

મળતી વિગતો અનુસાર, રાજકોટના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે, જેમાં PGVCLના જનરલ મેનેજર (ફાઇનાન્સ) કિંતુકુમાર શશીકાંતભાઈ મલકાણ સાથે રૂ. 45,60,904ની ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી છે. 4 મે, 2026ના રોજ બપોરે બનેલી આ ઘટનામાં ગઠિયાઓએ PGVCLના MD કેતન જોષીના નામે ખોટી ઓળખ આપીને આ નાણાકીય વ્યવહાર કરાવ્યો હતો. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 319(2), 204 અને આઈટી એક્ટની કલમ 66(C), 66(D) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદની વિગતો અનુસાર, ફરિયાદી કિંતુકુમાર જ્યારે તેમની ઓફિસમાં બેઠા હતા ત્યારે તેમના મોબાઈલ પર એક અજાણ્યા વોટ્સએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો. આ નંબરના પ્રોફાઈલ પિક્ચરમાં એમ.ડી. કેતન જોષીનો ફોટો રાખવામાં આવ્યો હતો અને મેસેજમાં લખ્યું હતું કે, "આ મારો પર્સનલ નંબર છે, કોઈની સાથે શેર કરતા નહીં". ત્યારબાદ આરોપીએ પોતે મીટિંગમાં હોવાનું કહીને મનીષા મંડલ નામના બેંક ખાતાની વિગતો મોકલી હતી અને PGVCLના એકાઉન્ટમાંથી તાત્કાલિક રૂ. 45,60,904નું RTGS પેમેન્ટ કરવા સૂચના આપી હતી. એમ.ડી.નો આદેશ માનીને ફરિયાદીએ કંપનીના ચેક દ્વારા ઇન્ડસઇન્ડ બેંકના આપેલા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી દીધા હતા.  

છેતરપિંડીનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ગઠિયાએ ફરીથી 'નિતિન' નામના ખાતામાં બીજા રૂ. 30,60,801 ટ્રાન્સફર કરવાનો મેસેજ કર્યો. આ સમયે શંકા જતા ફરિયાદીએ રૂબરૂ એમ.ડી. કેતન જોષીની મુલાકાત લીધી હતી, જ્યાં સાહેબે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે આવો કોઈ મેસેજ કર્યો નથી. આથી, પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કરવામાં આવી હતી. હાલમાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આ કેસની તપાસ કરી રહ્યું છે અને જે બેંક ખાતામાં નાણાં ગયા છે તેના આધારે આરોપીઓ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.