Thu Jun 18 2026

Logo

ભુજમાં પારો ૩૮ ડિગ્રીએ પહોંચતા લોકો અકળાયા, નલિયામાં હજુ પણ ગુલાબી ઠંડી

2026-03-05 11:31:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કલાઈમેટ ચેન્જની વૈશ્વિક અસર હેઠળ પૃથ્વીના ઋતુચક્રમાં આવી રહેલા અણધાર્યા ફેરફારો હવે સરહદી જિલ્લા કચ્છમાં સ્પષ્ટપણે વર્તાઈ રહ્યા છે. શિયાળાની વહેલી વિદાય અને ઉનાળાના પગરવ વચ્ચે હાલ કચ્છમાં વિષમ વાતાવરણની સ્થિતિ સર્જાઈ છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં ૧૫ થી ૨૦ ડિગ્રી જેટલો જંગી તફાવત નોંધાતા રણપ્રદેશમાં 'ઋતુ સંધિકાળ'નો અનોખો અને અકળાવનારો માહોલ જોવા મળી રહ્યો છે.

જિલ્લા મથક ભુજમાં  મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ફેબ્રુઆરી-માર્ચના સમયગાળા મુજબ ઘણું ઊંચું ગણાય છે. બપોરના સમયે આકરો 'વૈશાખી તાપ' અનુભવાતા જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, લઘુતમ તાપમાન ૨૨ ડિગ્રીની આસપાસ રહેતા મોડી સાંજ બાદ હવામાં ભેજ અને ઠંડકનું પ્રમાણ વધે છે, જેના કારણે લોકોને એક જ દિવસમાં બે વિપરીત ઋતુઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે દિવસે તાપમાન ૩૦ ડિગ્રી આસપાસ હોય છે, પરંતુ રાત્રે પારો ગગડીને ૧૫ ડિગ્રી સુધી પહોંચી જતાં અહીં હિલસ્ટેશન જેવો અનુભવ થઈ રહ્યો છે જયારે કંડલાના બંદરીય વિસ્તારમાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રીની આસપાસ રહ્યું છે. અહીં રાત્રે ભેજનું પ્રમાણ વધતા અને તાપમાન ૨૪ ડિગ્રી સુધી નીચે આવતા વહેલી સવારે ઝાકળવર્ષા જોવા મળી રહી છે, જેના કારણે માર્ગો ભીંજાયેલા જોવા મળે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમ બંગાળથી કર્ણાટક સુધી કમોસમી વરસાદી માહોલ છે. જમ્મુ-કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદને કારણે ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનો અને સ્થાનિક ગરમી વચ્ચે આ પ્રકારની બેવડી ઋતુ સર્જાઈ રહી છે.

વાતાવરણમાં આવી રહેલા આ મોટા ઉતાર-ચઢાવને કારણે આરોગ્ય પર વિપરીત અસરો પડી રહી છે. ઘરે-ઘરે શરદી, ખાંસી અને વાયરલ તાવના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાત તબીબોએ આ 'મિશ્ર ઋતુ'માં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ખાન-પાનમાં તકેદારી રાખવા અને ઠંડા-ગરમ વાતાવરણથી બચવા સલાહ આપી છે.

(ઉત્સવ વૈદ્ય)