જ્યાં પશુઓ પાણી પીવે છે ત્યાંથી જ ગ્રામજનો પાણી ભરવા લાચાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
દાહોદ: ગુજરાતના તમામ ઘરોમાં 'નલ સે જલ' યોજનાનો લાભ અપાયો હોવાના દાવાઓ વચ્ચે આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. દાહોદ જિલ્લાના ખરવાણી ગામમાં આજે પણ પીવાના પાણીનું સંકટ એટલું ઘેરું બન્યું છે કે ગ્રામજનોને ટીપું પાણી મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ગામમાં પાણીની કોઈ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે સ્થાનિક લોકો નદી-નાળા કે સુકાઈ ગયેલા જળાશયોની આસપાસ ઊંડા વીરડા ખોદીને પાણી કાઢવા માટે મજબૂર બન્યા હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા. આ વીરડાઓમાં એકત્રિત થતું ગંદુ અને દૂષિત પાણી પીવાના તેમજ રોજિંદા વપરાશના ઉપયોગમાં લઈ રહ્યા છે, જેના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે.
આ અંગે ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકાર પર ભાજપના 'વિકાસ મોડલ'ની વાસ્તવિકતા જાહેરાતો મોટી, સુવિધાઓ ખાલી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દાહોદના ખરવાણી ગામમાં 4,000થી વધુ લોકો આજે પણ ગંદુ પાણી પીવા મજબૂર છે. જે ખાડામાંથી ગ્રામજનો પાણી ભરે છે, એ જ પાણી પશુઓ પણ પીવે છે. તેમણે કહ્યું હતું કે આ ગુજરાત મોડલનું સત્ય’ છે કે, જ્યાં એક તરફ "હર ઘર નલ સે જલ"ના દાવા બીજી તરફ 31 વર્ષથી ભાજપ શાસિત ગુજરાતમાં લોકો શુદ્ધ પીવાના પાણી માટે તરસી રહ્યા છે.
‘ગુજરાત મોડલનું સત્ય’
— Gujarat Congress (@INCGujarat) June 11, 2026
દાહોદના ખરવાણી ગામમાં 4,000 થી વધુ લોકો આજે પણ ગંદુ પાણી પીવા મજબૂર છે. જે ખાડામાંથી ગ્રામજનો પાણી ભરે છે, એ જ પાણી પશુઓ પણ પીવે છે.
એક તરફ "હર ઘર નલ સે જલ" ના દાવા, બીજી તરફ 31 વર્ષથી ભાજપ શાસિત ગુજરાતમાં લોકો શુદ્ધ પીવાના પાણી માટે તરસી રહ્યા છે.
આ છે… pic.twitter.com/09Rmg8afTX
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વલસાડ જિલ્લાના મોટી પલસાણ ગામમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ હોવાના અહેવાલોએ ભારે ચર્ચા જગાવી હતી. ગામના કૂવાઓ સાવ સુકાઈ ગયા હોવાથી ગ્રામજનો પીવાનું પાણી મેળવવા માટે 45 ફૂટથી વધુ ઊંડા કૂવામાં દોરડા અને સીડીની મદદથી નીચે ઉતરી રહ્યા હોવાના અહેવાલો મીડિયામાં ફરતા થયા હતા.
આ અંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી અને છેલ્લા 31 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ વિકાસની મોટી-મોટી જાહેરાતોની જમીની હકીકત આજે પણ ખૂબ જ દર્દનાક હોવાનો આક્ષેપ કર્યો હતો. આખરે જલ જીવન મિશન યોજનાના હજારો કરોડ રૂપિયા કોના ખિસ્સામાં ગયા? જેવા સવાલો વિરોધ પક્ષે કર્યા હતા.
અહેવાલો બાદ ઊભી થયેલી ચર્ચા અંગે વલસાડના જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, મોટી પલસાણ ગામમાં પાણી ન મળતું હોવાની સમસ્યા અંગે તેમણે જાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વોટર સંપમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ગામ સુધી પાણી પહોંચી શકતું નહોતું. ખામીની જાણકારી મેળવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.