Sun Mar 08 2026

Logo

સેમિ ફાઈનલ સુધી ન પહોંચવાની સજા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ પર લગાવ્યો રૂ. 50 લાખનો દંડ

Lahore   5 days ago
Author: MayurKumar Patel
Article Image

સતત ચોથી આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ સેમિ ફાઈનલ સુધી પહોંચી નથી

લાહોરઃ આઈસીસી ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમે કરેલા ખરાબ પ્રદર્શનની અસર હવે ખેલાડીઓ ચૂકવવી પડશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પીસીબીએ કડક વલણ અપનાવીને ટીમના દરેક ખેલાડી પર દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. વર્લ્ડકપમાં સુપર-8 અને ટીમ ઈન્ડિયા સામે ગ્રુપ સ્ટેજમાં થયેલી કારમી હાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

50 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ

મીડિયા રિપોર્ટ મુજબ ટી20 વર્લ્ડ કપ રમનારા દરેક પાકિસ્તાની ખેલાડી પર 50 લાખ પાકિસ્તાની રૂપિયા (આશરે 16 લાખ ભારતીય રૂપિયા)નો દંડ લગાવાયો છે. આ રકમ ખેલાડીઓની સેલેરી કે મેચ ફીમાંથી કાપવામાં આવશે.

પાકિસ્તાન સતત ચોથી આઈસીસી ટુર્નામેન્ટમાં સેમિ ફાઈનલ સુધી ન પહોંચ્યુ

સતત ચોથી આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ સેમિ ફાઈનલ સુધી પહોંચી નથી. આ સ્થિતિમાં બોર્ડે ખરાબ પ્રદર્શન હવે સીધું જ આર્થિક નુકસાનીમાં બદલાઈ જશે તેવો સંદેશ આપ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પ્રથમ વખત હારને લઈ આટલું કડક બન્યું છે પરંતુ આ વખતે આટલી મોટી રકમનો દંડ ચર્ચાનો વિષય બન્યો છે.

ટુર્નામેન્ટમાં કેવો રહ્યો પાકિસ્તાનનો દેખાવ

પાકિસ્તાને તમામ મેચ શ્રીલંકામાં રમી હતી પરંતુ સ્થિતિનો ફાયદો ઉઠાવી શક્યું નહોતું. શરૂઆતમાં નેધરલેન્ડ્સને 3 વિકેટથી હરાવ્યું હતું પરંતુ આ મેચ ખૂબ રોચક બની હતી. જે બાદ અમેરિકાને 32 રનથી હાર આપી હતી. પરંતુ ભારત સામે 61 રનની મોટી હારે ટીમની નબળાઈને છતી કરી હતી. તેમ છતાં પાકિસ્તાન સુપર-8માં પહોંચ્યું હતું. 

સુપર-8માં ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદના કારણે રદ થઈ હતી. ઈંગ્લેન્ડે 2 વિકેટથી હરાવ્યું હતું. જોકે શ્રીલંકા સામે જીત થઈ હતી પરંતુ ખરાબ નેટ રન રેટના કારણે ટીમ આગામી રાઉન્ડમાં પ્રવેશી શકી નહોતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દેખાવ અપેક્ષા મુજબ રહ્યો નહોતો, જેના કારણે હવે ખેલાડીઓને તેની સજા આર્થિક રીતે ભોગવવી પડશે.

પીસીબીની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે `વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ જે રીતે રમી એનાથી નકવી નારાજ છે. તેમની નારાજગીનું સૌથી મોટું કારણ એ છે કે સિલેક્ટરો, ટીમ મૅનેજમેન્ટ તેમ જ બોર્ડમાં તેમના (નકવીના) નજીકના જે સાથીઓ છે તેમણે ખાતરી આપી હતી કે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સારું રમશે. જોકે એ આશા ઠગારી નીવડી હતી.

પીસીબીના સૂત્રએ જણાવ્યું હતું કે નકવીએ ટી-20 ટીમના કૅપ્ટનપદેથી સલમાન આગાને તગેડી મૂકવાનું નક્કી કરી લીધું છે તેમ જ હેડ-કોચ માઇક હેસન સાથે તેમ જ સિલેક્ટરો સાથે પાકિસ્તાનની ભાવિ ટીમ બાબતમાં ચર્ચા કરવાનું નક્કી કર્યું છે. એવું પણ મનાય છે કે સલમાન આગાના સ્થાને કદાચ પેસ બોલર શાહીન શાહ આફ્રિદીને અથવા ઑલરાઉન્ડર શાદાબ ખાનને પાકિસ્તાનની ટીમનું સુકાન સોંપાશે. જ્યારે બાબર આઝમ, ઉસ્માન ખાન સહિત કેટલાક ખેલાડીઓની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પડદો પણ પાડી દેવામાં આવશે.