Mon Jun 01 2026

Logo

અમેરિકામાં ગુનાનો 'કિંગપિન' પટેલ યુવક દેશનિકાલની અણી પર: કરોડોની સંપત્તિ જપ્ત થશે

2026-06-01 13:01:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદ: અમેરિકામાં ગુજરાતી મોટી સંખ્યામાં સ્થાયી થયા છે. ઘણા લોકો ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયા બાદ ત્યાં રહેવા માટે અવનવાં ગતકડાં કરતા હોય છે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલાં અમેરિકાથી પ્રકાશમાં આવ્યો હતો. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરવાના એક ગંભીર ષડયંત્રમાં બોસ્ટનની ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ 10 પાટીદારો સામે વિધિવત્ રીતે ગુનો નોંધ્યો હતો. અમેરિકામાંથી દેશનિકાલ થતા બચાવવા માટે ત્યાંના 'U-વિઝા વિક્ટિમ-પ્રોટેક્શન પ્રોગ્રામ'નો દુરુપયોગ કરનાર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ચંદ્રકાંત ઉર્ફે 'લાલા' પટેલ હવે ખુદ દેશનિકાલનો સામનો કરી રહ્યો છે. ચંદ્રકાંત પટેલે કોર્ટમાં કાવતરું ઘડવા અને મની લોન્ડરિંગના ગુનાની કબૂલાત કરી હતી.  પ્લી એગ્રીમેન્ટ (ગુનાની કબૂલાતના કરાર) અંતર્ગત પટેલ પોતાના બહુવિધ બેંક ખાતાઓ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, વાહનો, મોંઘી જ્વેલરી, કિંમતી ધાતુઓ અને લુઇસિયાનાના ઓકડેલમાં આવેલી પાંચ પ્રોપર્ટીઝ જપ્ત કરવા માટે સહમત થયો હતો.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, ચંદ્રકાંત પટેલે યુએસ ઈમિગ્રેશન કાયદા હેઠળ દેશનિકાલને પાત્ર છે. કાયદાકીય રીતે તેને દેશમાંથી બહાર કાઢવો ફરજિયાત છે. ઓટોમેટિક દેશનિકાલની પૂરેપૂરી શક્યતા હોવા છતાં ચંદ્રકાંત પટેલે પ્લી એગ્રીમેન્ટ અંતર્ગત આગળ વધવાનું નક્કી કર્યું હતું.

કોર્ટના દસ્તાવેજમાં જણાવાયું છે કે, પ્લી એગ્રીમેન્ટ હેઠળ પટેલને મહત્તમ 15 વર્ષની જેલની સજા થઈ શકે છે.  જેમાં કાવતરાના ગુનામાં 5 વર્ષ અને મની લોન્ડરિંગના આરોપમાં 10 વર્ષની સજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેને $ 5,00,000 (આશરે ₹ 4.15 કરોડથી વધુ) સુધીનો દંડ પણ થઈ શકે છે. સુપરવાઇઝ્ડ રિલીઝ અને અન્ય દંડો સહિતની અંતિમ સજા ફેડરલ કોર્ટ દ્વારા પ્રી-સેન્ટેન્સ ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થયા બાદ નક્કી કરવામાં આવશે.

લુઇસિયાનાના વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટની કોર્ટના પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર, કલોલમાં જન્મેલા આ બિઝનેસમેને ભારતીય ઇમિગ્રન્ટ્સ પાસેથી હજારો ડોલર વસૂલ્યા હતા. તે આ લોકોને સશસ્ત્ર લૂંટફાટ અથવા અન્ય ગુનાઓના ભોગ બન્યા હોવાનું ખોટું ચિત્ર ઊભું કરી અમેરિકામાં માનવતાવાદી રાહત અપાવતો હતો. ત્યારબાદ અરજદારો આ નકલી ઘટનાઓનો ઉપયોગ U-વિઝા મેળવતા હતા. આ એક એવો ખાસ ઇમિગ્રેશન લાભ છે જે ગુનાની તપાસમાં કાયદા અમલીકરણ એજન્સીઓને મદદ કરનારા પીડિતોને મળે છે.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, ચંદ્રકાંત પટેલની ગુનાની કબૂલાત એક દાયકા જૂની છેતરપિંડીની લાંબી તપાસમાં એક મોટી સફળતા છે. આ કૌભાંડે પટેલ અને તેના સાથીદારોને તગડી કમાણી કરી આપી હતી.

કયારે કેસ પ્રકાશમાં આવ્યો

આ કેસ પહેલીવાર 2025માં પ્રકાશમાં આવ્યો હતો. તંત્ર દ્વારકા લુઇસિયાનાના ત્રણ વર્તમાન અથવા ભૂતપૂર્વ પોલીસ ચીફ અને ઓકડેલના એક માર્શલ સાથે પટેલ પર આરોપો મૂક્યા હતા. પટેલે અધિકારીઓને કેસ દીઠ અંદાજે $ 5000 (આશરે ₹૪.૧૫ લાખ) ની લાંચ આપીને નકલી પોલીસ રિપોર્ટ્સ અને U-વિઝા માટે જરૂરી દસ્તાવેજો પ્રમાણિત કરાવ્યા હતા. અન્ય રાજ્યોમાંથી આવેલા ઇમિગ્રન્ટ્સ સાથે લૂંટફાટની અસામાન્ય ઘટનાઓ નોંધાઈ હતી તે બાદ આ તપાસ શરૂ થઈ હતી. 

શું છે આ U-વિઝા પ્રોગ્રામ?

U-વિઝા એ યુએસ કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલો એક માનવતાવાદી ઇમિગ્રેશન લાભ છે. જે ગંભીર ગુનાઓનો ભોગ બનેલા લોકોને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સહકાર આપવા પ્રોત્સાહિત કરે છે.  જેમણે ગંભીર શારીરિક અથવા માનસિક શોષણ સહન કર્યું હોય અને ગુનાહિત પ્રવૃત્તિની તપાસ અથવા કાર્યવાહીમાં મદદ કરી હોય તેવા  વ્યક્તિઓને આનો લાભ મળે છે. આ ઉપરાંત અરજદારોને કામચલાઉ કાનૂની દરજ્જો, દેશનિકાલ સામે રક્ષણ અને તાત્કાલિક કામ કરવાની મંજૂરી મળે છે. બાદમાં તેઓ ગ્રીન કાર્ડ માટે પણ પાત્ર બની શકે છે.