Tue Oct 06 2026

Logo

પાટણના ચાણસ્મામાં વિવાદિત ફાર્મ હાઉસ પર બીજા દિવસે પણ બુલડોઝર કાર્યવાહી યથાવત

2026-03-21 17:19:31
Author: Devayat Khatana
પાટણના ચાણસ્મામાં વિવાદિત ફાર્મ હાઉસ પર બીજા દિવસે પણ બુલડોઝર કાર્યવાહી યથાવત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં મંદિરના દાનના વિવાદ બાદ ફાર્મહાઉસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોને જોઇને પોલીસ પણ નાસી છૂટી હોવાનું સીસીટીવી ફૂટેજમાં ફૂટ્યું હતું. ત્યારે જે ફાર્મ હાઉસ પર હુમલો થયો હતો તે ગૌચરની જમીન પર જ બનાવી દેવામાં આવ્યું હોવાનું ખૂલતાં તંત્રએ કાર્યવાહી કરીને બુલડોઝર ચલાવ્યું હતું. તે કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત રહી હતી. વિવાદિત ફાર્મ હાઉસના ગેટ બાદ અન્ય બાંધકામો પણ પાડી દેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે ફાર્મ હાઉસના માલિક ભાવેશ દેસાઇનો ગુનાહિત ઇતિહાસ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, ભાવેશ દેસાઇ પર ગુજસીટોક સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો તલવારો અને લાકડીઓ સાથે મિલકતને નુકસાન પહોંચાડતા કેદ થયા હતા.

આ ઘટનામાં જહુ શંકર ઠાકોર મુખ્ય કાવતરાખોર હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે જીતુભા અને દલપુજી જેવા નામો પણ પ્રકાશમાં આવ્યા હતા. સમગ્ર પ્રકરણમાં ફરજમાં બેદરકારી બદલ પીઆઈ સહિત અન્ય સ્ટાફ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે કાર્યવાહી કરી ૧૮ આરોપીઓની ધરપકડ કરી હતી.

આ મામલે બે અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી અને કોર્ટે આરોપીઓને ૨૩ માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા હતા. આ મામલે પોલીસે પકડાયેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જ્યાં તેઓને ઉઠબેસ કરાવી લાકડીઓ વડે ફટકારવામાં આવ્યા હતા. આરોપીઓએ જાહેરમાં હાથ જોડીને માફી માગી હતી અને ત્યાર બાદ તેઓને ગુનાના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે ફાર્મહાઉસ લઈ જવામાં આવ્યા હતા.