Wed Sep 09 2026

Logo

જો પાસપોર્ટ કે આધાર કાર્ડથી ભારતીય નાગરિકતા સાબિત નહીં થાય તો જાણો કયા ડોક્યુમેન્ટ ગણાશે સાચો પુરાવો

2026-06-25 14:09:00
Author: Darshana Visaria
જો પાસપોર્ટ કે આધાર કાર્ડથી ભારતીય નાગરિકતા સાબિત નહીં થાય તો જાણો કયા ડોક્યુમેન્ટ ગણાશે સાચો પુરાવો

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓની ઘૂસણખોરી અને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો અને નિર્ણાયક નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હવે પાસપોર્ટ પણ નાગરિકતાનો અંતિમ પુરાવો ગણાશે નહીં.

સરકારના જણાવ્યા અનુસાર, પાસપોર્ટ એ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેનો એક દસ્તાવેજ છે, તેના આધારે નાગરિકતા મળી ગઈ હોવાનો દાવો કરી શકાય નહીં. આ સાથે જ આધાર કાર્ડ અને વોટર આઈડી અંગે પણ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. આ નિર્ણય બાદ સામાન્ય લોકોમાં મૂંઝવણ ઊભી થઈ છે કે જો આ દસ્તાવેજોથી નાગરિકતા સાબિત ન થાય, તો કયા કાગળો કામ આવશે?

કયા પુરાવા નાગરિકતા સાબિત કરવામાં 'ફેલ' સાબિત થયા?
આપણે રોજબરોજના કામોમાં જે દસ્તાવેજોને આપણી ઓળખ અને નાગરિકતાનો આધાર માનીએ છીએ, તે કાનૂની રીતે અપૂરતા સાબિત થયા છે. આ દસ્તાવેજોમાં-
પાસપોર્ટ: પરરાષ્ટ્રીય મંત્રાલયના મતે, આ માત્ર મુસાફરીનો એક પુરાવો છે. ખોટી માહિતી આપીને પણ પાસપોર્ટ કઢાવી શકાતો હોવાથી તેને નાગરિકતાનો આખરી પુરાવો ન માની શકાય.
આધાર કાર્ડ: સર્વોચ્ચ અદાલત અને મુંબઈ ઉચ્ચ અદાલતે અગાઉ જ સ્પષ્ટ કર્યું છે કે, આધાર કાર્ડ માત્ર ઓળખ પત્ર અને ભારતમાં રહેણાંકનો પુરાવો છે, તે નાગરિકતા સાબિત કરતું નથી.
મતદાન ઓળખપત્ર: આ દસ્તાવેજ ચૂંટણી પંચ દ્વારા માત્ર મતદાનની પ્રક્રિયા માટે જાહેર કરવામાં આવે છે, તેનાથી પણ કાનૂની નાગરિકતા સિદ્ધ થતી નથી.

 ભારતમાં નાગરિકતા કઈ રીતે નક્કી થાય છે?
ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ દેશની નાગરિકતા મેળવવા કે નક્કી કરવા માટે ૫ મુખ્ય મુદ્દાઓ રેખાંકિત કરવામાં આવ્યા છે. આ ૫ ઘટકોમાં વંશાનુગત, નોંધણી, દેશીયકરણ/કુદરતી અને ક્ષેત્ર વિલયનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ પણ એક શરત પૂરી થવા પર જ ભારતીય નાગરિકતા મળે છે.

કયા કાગળોથી સાબિત થશે અસલી ભારતીય નાગરિકતા?
જો કાનૂની રીતે નાગરિકતા સાબિત કરવાનો પ્રશ્ન આવે, તો નીચેના ત્રણ દસ્તાવેજો સૌથી મહત્ત્વના અને નિર્ણાયક સાબિત થશે.
નાગરિકતા પ્રમાણપત્ર: ભારતમાં નાગરિકતા સાબિત કરવા માટે આ સૌથી મહત્ત્વનું પ્રમાણપત્ર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા યોગ્ય તપાસ અને વેરિફિકેશન બાદ જ આ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવે છે.

જન્મનો દાખલો: નાગરિકતા સિદ્ધ કરવા માટે જન્મનો દાખલો પણ મુખ્ય આધાર છે. જોકે, તેમાં માતા-પિતાની સાચી માહિતી હોવી જરૂરી છે. વર્ષ ૧૯૮૭ પછી જન્મેલા લોકો માટે તેમના માતા-પિતાની નાગરિકતા પણ સાબિત કરવી અનિવાર્ય બને છે.
ડોમિસાઈલ: રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું સ્થાનિક રહેવાસી હોવાનું પ્રમાણપત્ર (ડોમિસાઈલ) પણ નાગરિકતાના એક મજબૂત પુરાવા તરીકે માન્ય ગણાય છે.