Wed Jun 10 2026

Logo

સંસદનું વિશેષ સત્ર: લોકસભામાં બેઠકોની સંખ્યા વધીને 850 થશે, 2029થી મહિલા અનામત લાગુ કરવાની સરકારની તૈયારી

2026-04-14 18:16:52
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: સંસદ અને વિધાનસભામાં મહિલાઓના 33 ટકા અનામતનો ખરડો તો ત્રણ વર્ષ પહેલા પાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એનો કાયદો 2029ની લોકસભાની ચૂંટણીથી લાગુ કરવા માટે હવે એના માટે સંશોધિત બિલ લાવવાની વેતરણમાં સરકારે છે અને એના માટે સરકારે સંસદનું 16થી 18 એપ્રિલના વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં સરકાર આ બિલને પાસ કરાવવાની પણ અપીલ કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકશાહી માળખામાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે ત્રણ મહત્વપૂર્ણ વિધેયકોનો મુસદ્દો સાંસદોને સોંપવામાં આવ્યો છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા 131મો બંધારણીય સુધારો વિધેયક, પરિસીમન વિધેયક અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારો) વિધેયક, 2026 આગામી સમયમાં સંસદમાં પસાર કરવાની તૈયારી છે. આ ઐતિહાસિક પગલાનો મુખ્ય હેતુ આગામી વસ્તી ગણતરીના આધારે લોકસભાની બેઠકોની સંખ્યામાં ધરખમ વધારો કરી મહત્તમ 850 સુધી કરવાનો અને વર્ષોથી લંબિત મહિલા અનામતને અસરકારક રીતે લાગુ કરવાનો છે.

વિધેયકોની વિગતો મુજબ, લોકસભાના માળખામાં દાયકાઓ પછી સૌથી મોટો વિસ્તાર પ્રસ્તાવિત છે. જેમાં રાજ્યોમાંથી 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 35 મળીને કુલ 850 બેઠકોની નવી વ્યવસ્થા ઊભી કરાશે. અત્યાર સુધી બેઠકોની ફાળવણી 1971ની વસ્તી ગણતરીના આધારે થતી હતી, પરંતુ બંધારણના 131માં સુધારા દ્વારા હવે વસ્તીની વ્યાખ્યામાં ફેરફાર કરી નવી વસ્તી ગણતરીના આંકડાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ફેરફારથી એક સાંસદ પર વસ્તીનું ભારણ ઘટશે અને છેવાડાના વિસ્તારો સુધી જનપ્રતિનિધિત્વ વધુ મજબૂત બનશે.

બેઠકોના પુનઃગઠન માટે પરિસીમન વિધેયક, 2026 (બિલ 108) અંતર્ગત એક શક્તિશાળી 'પરિસીમન આયોગ'ની રચના કરવામાં આવશે, જેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા ભૂતપૂર્વ ન્યાયાધીશ હશે. આ આયોગ નક્કી કરશે કે વસ્તીના પ્રમાણમાં કયા રાજ્યને કેટલી વધારાની બેઠકો મળશે. આ પ્રક્રિયામાં ન્યાયિક અને વહીવટી પારદર્શિતા જળવાય તે માટે ચૂંટણી પંચને પણ તેમાં સામેલ કરવામાં આવશે, જે ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યો વચ્ચે વસ્તી આધારિત પ્રતિનિધિત્વના સંતુલનને જાળવવાનું કાર્ય કરશે.

આ ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશ કાયદો (સુધારો) વિધેયક દ્વારા દિલ્હી, પુડુચેરી અને જમ્મુ-કાશ્મીરના કાયદાઓમાં ફેરફાર કરી તેમને નવા પરિસીમન અને 'નારી શક્તિ વંદન અધિનિયમ' હેઠળના 33% મહિલા અનામતને અનુરૂપ બનાવવામાં આવશે. પુડુચેરીમાં નામાંકિત સભ્યોની સંખ્યા વધારીને પાંચ કરવાનો પ્રસ્તાવ છે, જેમાંથી બે મહિલા હશે. આ વિધેયક માત્ર બેઠકો વધારવા પૂરતા મર્યાદિત નથી, પરંતુ તે ભારતીય સંસદીય પ્રણાલીમાં ભાષાકીય અને પ્રાદેશિક પ્રતિનિધિત્વના એક નવા અને આધુનિક યુગનો પાયો નાખશે.