Sun Mar 08 2026

Logo

જમ્મુ-કાશ્મીરના કૅપ્ટને ફીલ્ડર સાથે માથું ટકરાવ્યું, 50 ટકા મૅચ ફીનો દંડ

1 week ago
Author: Ajay Motiwala
Article Image

હુબલી (કર્ણાટક): અહીં બુધવારે રણજી ટ્રોફી (Ranji trophy) ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરના કૅપ્ટન પારસ ડોગરા (Dogra)એ સિલી પૉઇન્ટ પર ઊભેલા કર્ણાટકના ફીલ્ડર કે. વી. અનીશ (Aneesh) સાથે માથું ટકરાવવાની ઘટનાને ખૂબ નાની ગણાવીને મામલો ઠંડો પાડવાની કોશિશ કરી હતી, પરંતુ જેન્ટલમૅન્સ ગેમ તરીકે ઓળખાતી આ રમતમાં આવી ઘટના ગંભીર કહેવાય અને બીસીસીઆઇના નિયમ અનુસાર ડોગરાની 50 ટકા મૅચ કાપી લેવામાં આવશે એવો અહેવાલ મળ્યો હતો.

ડોગરાના સુકાનમાં જમ્મુ-કાશ્મીર બહુ સારી સ્થિતિમાં છે. પાંચ દિવસની આ ફાઇનલમાં બુધવારે બીજા દિવસે તેની ટીમે છ વિકેટે 527 રન કર્યા હતા અને પ્રથમ દાવની સરસાઈની મદદથી પ્રથમ વખત રણજી ટાઇટલ જીતવાની દિશામાં આ ટીમ આગળ વધી રહી છે.

41 વર્ષીય ડોગરાએ કર્ણાટકના બોલર્સનો જેમાં ખાસ કરીને પ્રસિદ્ધ ક્રિષ્નાના અત્યંત ઝડપી બૉલ અને બાઉન્સરનો સમજદારી અને હિંમતથી સામનો કર્યો હતો. જોકે એક તબક્કે નજીક ઊભેલા ફીલ્ડર અનીશે કંઈક કમેન્ટ કરી હશે એટલે ગુસ્સામાં ડોગરા બન્ને અમ્પાયરોનું ધ્યાન દોર્યા બાદ અનીશની નજીક પહોંચી ગયો હતો અને તેના માથા સાથે પોતાનું માથું ટકરાવ્યું હતું.

ડોગરા અને અનીશ બન્નેએ હેલ્મેટ પહેરી હતી. કર્ણાટકનો મયંક અગરવાલ તેમ જ કૅપ્ટન દેવદત્ત પડિક્કલ બન્ને પાસે દોડી આવ્યા હતા અને અમ્પાયર્સની મદદથી છેવટે મામલો શાંત પાડ્યો હતો. ડોગરા 70 રનના પોતાના સ્કોર પર શ્રેયસ ગોપાલના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો.