Mon Aug 31 2026

Logo

પેપર લીક હવે માત્ર ગુનો નહીં, કરોડોની ‘લીક ઈકોનોમી’, પ્રિન્ટિંગ પ્રેસથી ટ્રેઝરી સુધી ફેલાયેલું નેટવર્ક

2026-05-12 22:02:11
Author: Mumbai Samachar Team
પેપર લીક હવે માત્ર ગુનો નહીં, કરોડોની ‘લીક ઈકોનોમી’, પ્રિન્ટિંગ પ્રેસથી ટ્રેઝરી સુધી ફેલાયેલું નેટવર્ક

નવી દિલ્હીઃ દેશમાં પેપર લીક થવાની ઘટના સામાન્ય બની રહી છે. આ સામાન્ય ઘટના પાછળ અસામાન્ય લાગે એવો ધંધો ચાલી રહ્યો છે. કાળા કારોબારમાં માસ્ટર માઈન્ડથી લઈને લોકલ માફિયા સુધીના લોકો મોટી રકમથી ખિસ્સા ભરે છે.લીક પેપર પાછળ પણ એક પોલિસી અને નેટવર્ક કામ કરતું હોય છે. આનું આર્થિક આંતરમાળખું પણ સમજવા જેવું હોય છે. પેપલ લીક થયા બાદ હવે સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થઈ છે એ ચર્ચા કરતા પેપર લીકમાં કેટલામાં સોદો થયો અને કોને કેટલી રકમ મળી હશે એની ચર્ચાએ જોર પકડ્યું છે. આને લીક ઈકોનોમી પણ કહી શકાય છે. 

પેપર પાછળ પૈસાનો કારોબાર
એક બાજુ તપાસ એજન્સી પેપર લીક સંબંધીત દરેક વિગત ભેગી કરશે, આ સાથે એક ફિઝિકલ ટ્રેલને પણ ટ્રેક કરશે. આ ગેરકાયદેસર ફાયનાન્સિયલ સ્ટ્રક્ચર પણ ચોંકાવનારૂ છે. આ સમગ્ર નેટવર્કમાં ઉપર બઠેલા માસ્ટર માઈન્ડથી લઈને ગ્રાઉડ લેવલ પર કામ કરતા માફિયા સુધીના તમામ જે ચેનલમાં છે એને પૈસા મળે છે. દરેક સ્તરે આ એક મોટી રકમ કમાતા હોય છે. મેડિકલ શાખામાં પ્રવેશ માટેની પરીક્ષાનું પેપર લીક થવું એ કોઈ સામાન્ય ઘટના નથી, એક ગેરકાયદેસરનો કારોબાર બની રહ્યો છે. જે જાહેર રજાના દિવસે પણ કરોડોની કમાણી કરાવી જાય છે. આ રકમ 100 કરોડથી પણ વધારે હોય છે. આ નેટવર્કમાં સૌથી ઉપર એ હોય છે જેની લિંક ડાયરેક્ટ કે ઈન ડાયરેક્ટ પ્રિન્ટિંગ પ્રેસ, પરિવહન વ્યવસ્થા અથવા પરીક્ષા સામગ્રી રાખનારા ટ્રેઝરી સિસ્ટમ સુધી હોય છે. 

સંપત્તિ સમાન પેપર
આ લોકો માટે સામાન્ય કાગળ ગણાતું પેપર એક સંપત્તિ સમાન હોય છે. જેની કિંમત કરોડોમાં હોય છે. આ પેપર ડાયરેક્ટ વિદ્યાર્થીઓને વેચવાના બદલે લોકલ દલાલ કે ગ્રાઉન્ડ સ્તરના માફિયા સુધી ઈરાદાપૂર્વક પહોંચાડવામાં આવે છે. તપાસ એજન્સીનું અનુમાન છે કે, NEET 2026 ના કેસમાં માસ્ટર માઈન્ડને 180 પ્રશ્નોનો સમગ્ર સેટ  આશરે 5 કરોડથી 10 કરોડમાં વેંચ્યો હશે.આ જ માસ્ટર ડિસ્ટ્રિબ્યુટર એક મોટું જોખમ ખેડે છે, જેટલું મોટું જોખમ એટલી મોટી રકમ પણ કમાય છે. પરીક્ષા શરૂ થાય એ પહેલા જ પૈસા જે તે શેલ એકાઉન્ટમાં ટ્રાંસફર થાય છે. પછી ક્રિપ્ટો વોલેટમાં લઈને પૈસા ગાયબ કરી દેવાય છે. 

લોકલ માફિયાનું ક્નેક્શન
એ પછી જે તે લોકલ લેવલ પર માફિયા સમાન લોકોને કામ સોંપી દેવામાં આવે છે. એજ્યુકેશન સાથે જોડાયેલા અને ટ્યુશન સાથે જોડાયેલા લોકો અહીંયાથી ક્નેકટ થાય છે. કોચિંગ સેન્ટર, હોટેલ તથા ટ્રાંસપોર્ટરનો રોલ અહીં ભજવાય છે. રાજસ્થાનના કોટા, સિકર અને પટણા જેવા શિક્ષણ કેન્દ્રના શહેરોમાં આવા લોકલ લેવલ માફિયા સક્રિય હોય છે. આવા લોકો માસ્ટર પ્રિન્ટને ખરીદવાના બદલે પૈસાદાર વિદ્યાર્થીઓ અને પ્રીમિયમ ક્લાઈન્ટ ગણાતા લોકોને ટાર્ગેટ કરે છે. પરીક્ષના 48થી 72 કલાક પહેલા વિદ્યાર્થીઓ પાસેથી 15થી 30 લાખ પૈસાની માગ કરીને વસુલી કરવામાં આવે છે. આવા કેસમાં વિદ્યાર્થીઓને કેટલાક સેફ હાઉસમાં રાખવામાં આવે છે. 

ડિજિટલ પુરાવા ઊભા જ ન થાય
આવા સેફ હાઉસમાં કેટલાક જવાબને કહીને મોઢે કરાવી દેવાય છે. ગોખણપટ્ટી અહીંયાથી શરૂ થાય છે. જેથી કરીને કોઈ ડિજિટલ સાબિતી ઊભી જ ન થાય. આવા કેસમાં જે તે લોકલ માફિયાએ 50 લાખ રૂપિયામાં પેપર ખરીદીને કામકાજ કર્યું હોય તો માત્ર 10 વિદ્યાર્થીઓને વેચીને 500 ટકાનો ફાયદો કમાય છે. ઉપરના પૈસા અલગથી. આ પ્રકારની ગેરકાયદેસર અર્થવ્યવસ્થાથી શિક્ષણને તો નુકસાન થાય છે પણ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા શિક્ષણ માફિયા વધારે મજબૂત બને છે. આને એજન્ટ અથવા સોલ્વર કહેવાય છે. સામાન્ય રીતે અહીંયા પણ વિદ્યાર્થીઓ જ હોય છે,જે ખૂબ હોશિયાર હોય છે, રીસર્ચર અથવા સ્કોલર હોય છે. જેને પ્રશ્નપત્ર સોલ્વ કરવા દેવામાં આવે છે. આ માટે એમને પણ 5થી 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. ઓછા સમયમાં વધુ પ્રશ્ન સોલ્વ કરનારા વધારે પૈસા લેતા હોય છે. જેથી કરીને સાચી આન્સર કીને વાયરલ કરી શકાય .

વધારે પૈસા કમાઈ લે
આ આન્સર કી તૈયાર થયા બાદ બ્રોકર્સ પાસે જાય છે. જેમાં કૉલેજના કેટલાક સિનિયર્સ, પરીક્ષા કેન્દ્ર પર કામ કરતા કર્મચારી, શિક્ષક હોય છે. જે વિદ્યાર્થી સુધી પેપરને પહોંચાડે છે. જેમ જેમ પરીક્ષા નજીક આવે એમ માહોલ બદલાતો જાય છે. એક સમયે ટેલિગ્રામ જેવી ચેનલ પર પેપર 25થી 50 હજાર રૂપિયામાં વેચાય છે. રિપોર્ટ અનુસાર ડાયરેક્ટ શિક્ષણ કે કર્મચારી કરતા એજન્ટ ઘણીવાર ડાયરેક્ટ વિદ્યાર્થી સુધી પહોંચી જઈને વધારે પૈસા કમાઈ લે છે. જ્યારે ગુનેગારો પોતાનો હિસાબ કરતા કરોડો રૂપિયા ગણે છે એની બીજી તરફ દેશના જ કરોડો વિદ્યાર્થીઓ જે દિવસ રાત મહેનત કરીને અહીંયા સુધી પહોંચે છે એમના પુરૂષાર્થ પર પાણી નહીં એસિડ રેડાય છે. એક સામાન્ય વર્ગના પરિવારના સંતાનો આ પરીક્ષાની તૈયારી માટે લાખો રૂપિયા ખર્ચે છે એવામાં શિક્ષણજગતના કેટલાક માફિયાઓ એક દિવસમાં કરોડોનો ખોટો ધંધો કરીને વિદ્યાર્થીઓના ભાવિ સામે અંધારૂ કરી દે છે. 

વાયરલ થાય ત્યારે મોટી મુશ્કેલી
હવે જ્યારે બીજી વખત પેપર સેટ થાય ત્યારે ફરીવાર આ વિદ્યાર્થીઓનો પરિવહન ખર્ચ અને સમય બન્ને બગડે છે. નીટની પરીક્ષાના પેપર ફૂટવા પાછળ ગણિત એક એવું પણ છે કે, મેડિકલમાંથી મળતું રીટર્ન સામાન્ય રકમનું હોતું નથી. લાંબા સમય સુધી મળતું રહે છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધતા લિમિટેડ સીટ વચ્ચેનો ગેપ લીકના ગોરખ ધંધા સુધી પહોંચે છે. ખાસ કરીને પેપર વાયરલ થવાના કેસમાં એક આખું નેટવર્ક કામ કરતું હોય છે. જેમાં પરીક્ષા સેન્ટરના કોઈ કર્મચારીના રોલથી લઈને માસ્ટર માઈન્ડ સુધીના વ્યક્તિનો એક અલગ રોલ હોય છે. જેમાં દરેક સ્તરે પૈસાની વેલ્યું સામે વિદ્યાર્થીઓનો ટાર્ગેટ પણ અગાઉથી સેટ હોય છે. એવામાં વાયરલ ક્યાંથી કેવી રીતે થયું એ ઝડપથી પકડી શકાતું નથી.