Sat Sep 12 2026

Logo

પાલીતાણામાં શેત્રુંજય પર ધોળા દિવસે છરીની અણીએ યાત્રિકનો ચેઈન ઝૂંટવી બદમાશો ફરાર

2026-04-18 21:41:38
Author: Devayat Khatana
પાલીતાણામાં શેત્રુંજય પર ધોળા દિવસે છરીની અણીએ યાત્રિકનો ચેઈન ઝૂંટવી બદમાશો ફરાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
જૈન તીર્થધામ પાલીતાણાના પવિત્ર શેત્રુંજય ગિરિરાજ પર છેલ્લા ૪૮ કલાકમાં ધોળા દિવસે લૂંટની બે અલગ-અલગ ઘટનાઓ બનતા યાત્રિકોમાં ફફડાટ અને રોષ વ્યાપી ગયો હતો. શુક્રવારે સવારે આશરે ૯:૪૫ વાગ્યે પદ્માવતી દેવીના મંદિર પાસે ચેન્નાઈથી દર્શનાર્થે આવેલા યાત્રિક સાથે ચાર અજાણ્યા શખ્સોએ છરીની અણીએ ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.

અખાત્રીજના પવિત્ર પર્વ નિમિત્તે હજારો ભક્તો પધારવાના હોય તે પહેલા જ બનેલી આ ઘટનાઓએ ગિરિરાજની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આ મામલે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


આ  ઘટના બાદ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તાત્કાલિક અસરથી સુરક્ષા વધારવાના પગલાં લેવામાં આવ્યા હતા. પેઢી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, ગિરિરાજના મોટા રસ્તે અને ઘેટીપાગ રસ્તે ૩૬ જેટલા સોલાર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, યાત્રિકોની સલામતી માટે સિક્યુરિટી ગાર્ડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પેઢીએ આ પ્રકારના બનાવોની નિંદા કરતા સરકાર અને પોલીસ વિભાગમાં પણ તાત્કાલિક કડક પગલાં લેવા રજૂઆત કરી હતી, જેથી ભવિષ્યમાં કોઈ યાત્રિકે આવી મુશ્કેલીનો સામનો કરવો ન પડે.