Sat Sep 12 2026

Logo

પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા સિંહોની અવર-જવર ઉપર નજર રખાશે

2026-08-18 18:58:00
Author: Pooja Shah
પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા સિંહોની અવર-જવર ઉપર નજર રખાશે

AI Generated Images


અમદાવાદઃ ગુજરાત અને ભારતના પ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણામાં આવેલ પવિત્ર શૈત્રુંજય પર્વત પર છેલ્લા થોડા સમયથી એશિયાઇ સિંહોની અવર-જવર જોવા મળે છે. જેના ભાગરૂપે પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર સિંહોની હાજરીથી યાત્રાળુઓની સુરક્ષા માટે ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં તેમજ રાજ્યકક્ષાના પ્રધાન પ્રવિણ માળીની ઉપસ્થિતિમાં આણંદજી કલ્યાણજી પેઢીના જૈન આગેવાનો સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. 

શૈત્રુંજય પર્વત પર દર વર્ષે પગપાળા યાત્રા કરતાં હજારો યાત્રાળુઓને સિંહ સહિતના વન્ય જીવોથી સુરક્ષિત કરવા માટે વન વિભાગના કર્મયોગીઓ ખડે પગે રહીને સતત સેવા આપી રહ્યા છે. 
શેત્રુંજય પર્વત પર ગત ફાગણ ફેરીમાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીને જૈન સમાજ દ્વારા મેસેજ કરીને બિરદાવવામાં આવી હતી તેનો ઉલ્લેખ કરતાં અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે  ડ્રોન ટેકનોલોજી દ્વારા રાત-દિવસ સતત નિરિક્ષણ, ૦૪ પ્રા-ફેબ્રિકેટેડ વોચ ટાવર, ૦૪ પ્રા-ફેબ્રિકેટેડ સેન્ટર કમ કેબિન તેમજ સતત ટ્રેકિંગ- સ્કેનિંગ દ્વારા સિંહોની અવર-જવર ઉપર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

આ વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવા માટે પણ વિચારણા કરવામાં આવશે. સિંહોના ટ્રેકિંગ અને યાત્રાળુઓની સુરક્ષા માટે હંગામી ધોરણે સ્થાનિક યુવાનોની ભરતી કરવામાં આવશે. આ સિવાય પર્યાવરણને ધ્યાનમાં રાખીને યાત્રા માર્ગનું સમારકામ પણ કરવામાં આવશે જેથી યાત્રાળુઓને ચાલવામાં વધુ સુગમતા રહે. આ તમામ વ્યવસ્થા-સુવિધાઓ આગામી સમયમાં સુનિશ્ચિત કરવા મોઢવાડિયાએ વન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. 

 આણંદજી કલ્યાણજી પેઢીના જૈન આગેવાનોએ કહ્યું હતું કે, પર્યાવરણ અને વન્ય જીવના જતન માટે અમારો હંમેશા વન વિભાગ સાથે સારો અને હકારાત્મક અનુભવ રહ્યો છે. અમે હંમેશા યાત્રાળુઓને શિસ્ત અને શાંતિથી યાત્રા પૂર્ણ કરવા આગ્રહ કરતા હોઇએ છીએ જેથી વન્યજીવોને કોઇપણ પ્રકારની કનડગત પહોંચે નહીં. જ્યારે પણ જરૂર પડે ત્યારે વન વિભાગના અધિકારી અને કર્મયોગીઓ મદદ માટે હંમેશા તૈયાર હોય છે.

 

વધુ જુઓ...