Sun Mar 08 2026

Logo

પાકિસ્તાની મહિલા ઍન્કરનો આક્રોશ: બહિષ્કાર પાછો નહોતો ખેંચવો જોઈતો, આવી ખરાબ બેઈજ્જતી તો ન થાત!

Colombo   2 weeks ago
Author: Ajay Motiwala
Article Image

કોલંબો: ટી-20 વર્લ્ડ કપમાં અહીં રવિવારે વન-સાઇડેડ મૅચમાં ભારતે સાત વિકેટે 175 રન કર્યા બાદ પાકિસ્તાનને 18 ઓવરમાં માત્ર 114 રનમાં ઑલઆઉટ કરીને 61 રનથી વિજય મેળવી લીધો ત્યાર બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ સલમાન આગા અને તેના ખેલાડીઓની આકરી ટીકા કરી જ હતી, પણ પાકિસ્તાનની જ જાણીતી મહિલા પત્રકાર અને ઍન્કર હુદા શાહે પાકિસ્તાની ટીમ પર જે આક્રોશ ઠાલવ્યો એ ભલભલા ખેલાડીઓની ટિપ્પણીને ઝાંખી પાડી દે એવો હતો.

ભારતનો રેશિયો 8-1 થઈ ગયો

વન-ડેના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારત તમામ આઠ મુકાબલા જીત્યું હોવાથી ભારત 8-0થી આગળ છે અને ટી-20 વિશ્વ કપમાં હવે પાકિસ્તાન (Pakistan) સામે ભારત (India)નો જીત-હારનો રેશિયો 7-1થી સુધરીને 8-1 થઈ ગયો છે.

 

પાકિસ્તાનની ખેલાડીઓ સાવ નમાલા: હુદા શાહ

હુદા શાહ (Huda Shah) સ્પષ્ટવક્તા છે અને પોતાને સાચું લાગે ત્યારે આકરામાં આકરા શબ્દોમાં ટીકા વરસાવવા માટે જાણીતી છે. તેણે ખાસ કરીને પાકિસ્તાનની રવિવારની ટીમની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને એવું પણ કહ્યું હતું કે ભારત સામેની આ મૅચનો પાકિસ્તાને અગાઉ જે બહિષ્કાર જાહેર કર્યો હતો એ પાછો ન ખેંચ્યો હોત તો સારું થયું હોત, કારણ કે પાકિસ્તાની ટીમ આવા નમાલાંપણાથી તો બચી ગઈ હોત.'

હુદા શાહે પાકિસ્તાની ખેલાડીઓને નકામા પણ કહ્યા, જાણો તેના જ શબ્દોમાં...

(1) બેશરમીની પણ એક હદ હોય. કેટલું બધું ખરાબ પર્ફોર્મ કર્યું! પાકિસ્તાનની આ ટીમમાં કેટલાક સાવ નકામા ખેલાડીઓ છે.
(2) તમે હારવાના તો હતા જ, પણ થોડું તો સારું રમવું હતું. થોડી તો મહેનત કરવી જોઈતી હતી. ટાર્ગેટ ચેઝ કરવા થોડું તો સારું રમવું જોઈતું હતું. આ શું! આવું રમાય?
(3) બહુ સાંભળવા મળ્યું હતું કે અમારા ખેલાડીઓએ બૅટિંગ, બોલિંગ, ફીલ્ડિંગની બહુ સારી પ્રેક્ટિસ કરી છે. આવું ખરાબ રમવા પ્રેક્ટિસ કરી હતી? મને ખાતરી છે કે તમે બૅટિંગની પૂરતી પ્રેક્ટિસ નહીં જ કરી હોય.
(4) બધા પહેલેથી જાણતા જ હતા કે બેઈજ્જતી થવાની જ છે. જોકે (દેશની) તમે કેટલી બધી ખરાબ બેઈજ્જતી કરાવી! તમે કેટલા બધા નમાલા છો!
(5) ભારત સામે રમવાનો પાકિસ્તાને જે બહિષ્કાર  જાહેર કર્યો હતો એ પાછો ન ખેંચ્યો હોત તો સારું થાત, આટલી બેઈજ્જતી તો ન થાત.
(6) હું પાકિસ્તાનની આ ક્રિકેટ ટીમ માટે ખાસ એક શબ્દ વાપરવા નથી માગતી, પણ...(આવું બોલીને હુદાએ વીડિયોમાં પાકિસ્તાની ટીમ માટે ખરાબ સાંકેતિક ભાષાનો પ્રયોગ કર્યો હતો).