Sun Sep 06 2026

Logo

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી, યુએઇએ પરત માંગ્યા 3.5 બિલિયન ડોલર

islamabad   2026-04-14 17:47:12
Author: Chandrakant Kanoja
પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી, યુએઇએ પરત માંગ્યા 3.5 બિલિયન ડોલર

ઇસ્લામાબાદ : મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા તણાવ વચ્ચે યુએઇ(સંયુક્ત આરબ અમીરાત )એ પાકિસ્તાન પાસેથી તેના નાણાં પરત માંગ્યા છે. પાકિસ્તાને આ મહિને યુએઇને  3.5 બિલિયન ડોલર ચૂકવવા પડશે. જેના લીધે તેના વિદેશી હૂંડિયામણ અનામત પર દબાણ વધશે.જેના પગલે પાકિસ્તાને હવે ચીન  અને સાઉદી અરેબિયા પાસે લોનની માંગ કરી છે. 

પાકિસ્તાનને 3.5 બિલિયન ડોલરથી વધુની લોન આપી શકે છે

પાકિસ્તાને હાલમાં અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ મંત્રણા માટે  ઇસ્લામાબાદ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. જ્યારે બીજી તરફ મીડિયા અહેવાલ મુજબ  પાકિસ્તાન હાલમાં સાઉદી અરેબિયા અને ચીન સાથે લોન મેળવવા માટે વાટાઘાટો કરી રહ્યું છે. જ્યારે તે યુએઈને આપેલું દેવું ચૂકવવાની તૈયારી કરી રહ્યું છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર  બંને દેશો સંયુક્ત રીતે પાકિસ્તાનને 3.5 બિલિયન ડોલરથી વધુની લોન આપી શકે છે. હાલમાં, પાકિસ્તાન પાસે આશરે 16 બિલિયન ડોલર જેટલું વિદેશી  અનામત છે. જે ફક્ત ત્રણ મહિના માટે આયાતને આવરી લેવા માટે પૂરતી રકમ છે.

 યુએઈનું 450 મિલિયન ડોલરનું બીજું  દેવું બાકી

જેમાં વર્ષ 2018 થી યુએઈ તરફથી 3 બિલિયન ડોલરની ડિપોઝિટ પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનમાં મૂકવામાં આવી છે. તેમજ  આ વ્યવસ્થા વાર્ષિક ધોરણે રોલઓવર કરવામાં આવી રહી છે. જોકે, સાત વર્ષમાં  પ્રથમવાર  પાકિસ્તાન લોન રોલઓવર કરવા માટે યુએઈ સાથે કરાર કરવામાં નિષ્ફળ ગયું છે. 3 બિલિયન ડોલર  ઉપરાંત  પાકિસ્તાન પર ઘણા વર્ષોથી યુએઈનું 450 મિલિયન ડોલરનું બીજું  દેવું બાકી છે.

પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે સંબંધો મજબૂત થયા

જોકે, હાલમાં પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે આર્થિક અને સુરક્ષા સંબંધો મજબૂત થયા છે. જ્યારે સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચેના સંબંધોમાં થોડો તણાવ અનુભવાયો છે. આ પૃષ્ઠભૂમિ સામે  યુએઈ દ્વારા પાકિસ્તાન પાસેથી તાત્કાલિક ચુકવણીની માંગ સૂચવે છે કે તે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેના ગાઢ સંબંધોથી સંપૂર્ણપણે ખુશ નથી.