Mon Apr 27 2026

Logo

શાંતિ મંત્રણા માટે મોટા ભાઈ બનવાનું ભારે પડ્યું: 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો!

islamabad   2026-04-26 22:24:01
Author: Vimal Prajapati
Article Image

AFP


ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ ચાલી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોમાં ઈંધણ પુરવઠાને અસર થઈ રહી છે. ખાસ કરીને ગેસ અને તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. આ ભાવ વધારાના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી ગઈ છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ અધોગતિના રસ્તે છે અને તેવામાં તેલ સંકટ પણ તેને વધારે અસર કરી રહ્યું છે. પાકિસ્તાન અત્યારે દરેક બાજુથી ઘેરાઈ રહ્યું છે. 

પાકિસ્તાનના રાજદ્વારી પ્રયાસો પણ નિષ્ફળ રહ્યાં

મીડિયા અહેવાલ પ્રમાણે, પાકિસ્તાન સરકાર પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે રાજદ્વારી પ્રયાસો કરી રહી છે અને તણાવ ઓછો કરવા માટે કામ કરી રહી છે. જોકે, હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. ઈરાન કે અમેરિકા કોઈ પણ દેશ વચ્ચે શાંતિ માટે તૈયાર નથી. જેની સૌથી વધારે અસર પાકિસ્તાન પર થઈ રહી છે. યુદ્ધની સ્થિતિના કારણે હોર્મુઝ દરમિયાઈ માર્ગ બંધ થયો છે. જેથી ઈંધણની આયાત પર અસર થઈ અને કિંમતો આસમાને પહોંચી ગઈ છે. આ યુદ્ધની એશિયા પર વધારે અસર થઈ રહી છે.

ભાવ વધારાએ પાકિસ્તાનને પાયમાલ કરી નાખ્યું

પાકિસ્તાન અત્યારે ઈંધણ માટે અન્ય દેશો પર નિર્ભર છે. અન્ય દેશો પર નિર્ભરતા અને ભાવ વધારાએ પાકિસ્તાનને પાયમાલ કરી નાખ્યું છે. તાજેતરના અઠવાડિયામાં ત્યાં કિંમતોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં થોડી રાહત મળી છે, પરંતુ પરિસ્થિતિ અસ્થિર રહે છે, અને જો તણાવ ચાલુ રહેશે તો કિંમતો ફરી વધી શકે છે. પાકિસ્તાનના અનેક ક્ષેત્રમાં વીજળીનો કાપ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ ગેસની અછત હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે. વીજળીનો કાપ મૂકવામાં આવ્યો તેની સાથે વીજળીના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

200 અબજ રૂપિયાનું વ્યાપારિક નુકસાન

જો સ્થિતિ આવી જ રહેશે અને વીજળીની માંગ વધી તો જનતા પરનો બોજ વધુ તીવ્ર બની શકે છે. સરકાર ઊર્જા બચાવવા માટે જે પગલાં લઈ રહી છે તેના પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. વીજળી કાપ અને વર્તમાન સ્થિતિના કારણે પાકિસ્તાનને માત્ર બે અઠવાડિયામાં આશરે 200 અબજ રૂપિયાનું વ્યાપારિક નુકસાન થયું છે. આમાં ખાસ કરીને સંગઠિત રિટેલ આઉટલેટ્સ આ નુકસાનનો ભોગ બની રહ્યાં છે. મૂળ વાત એ છે કે, પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ચિંતાનું કારણ બની રહી છે.