Thu Apr 16 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ કોલકાતા પર હુમલો કરે તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જાય

2026-04-07 08:55:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

અમેરિકા-ઈઝરાયલ વર્સીસ ઈરાન યુદ્ધના કારણે આખી દુનિયા તણાવમાં છે ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ભારત પર હુમલાની ધમકી આપીને નવો પલિતો ચાંપ્યો છે. આસિફે ડંફાશ મારી છે કે, ભારત  ફોલ્સ ફ્લેગ ઓપરેશન એટલે કે સર્જિકલ સ્ટ્રાઈક જેવો છુપાઈને હુમલો કરશે તો પાકિસ્તાન ચૂપ નહીં રહે. આ વખતે યુદ્ધ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે પણ કોલકાતા સુધી પહોંચી શકે છે અને પાકિસ્તાન ભવિષ્યમાં ભારતના કોઈ પણ દુસ્સાહસનો જવાબ કોલકાતા પર હવાઈ હુમલો કરીને આપશે. 

આસિફે એવો દાવો પણ કર્યો છે કે, ગયા વરસે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું ત્યારે પાકિસ્તાને ભારતને કારમી હાર આપેલી તેથી ભારત ફરી હુમલાની હિંમત નહીં કરે પણ હુમલો કરશે તો અમે છેક કોલકાત્તામાં હુમલા કરીને ભારતની હાલત બગાડી દઈશું. આસિફે એવો દાવો પણ કર્યો છે કે પાકિસ્તાનના ભારત સાથે યુદ્ધની સંભાવના હજુ સાવ ખતમ થઈ નથી. ને બે પરમાણુ મહાસત્તાઓ વચ્ચે યુદ્ધ ના થઈ શકે એવા ભ્રમમાં પણ રહેવાની જરૂર નથી. ખ્વાજા આસિફે ભારત અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર મળીને પાકિસ્તાન સામે પ્રોક્સી વોર ચલાવી રહી હોવાનો આક્ષેપ કરીને આસિફે અફઘાનિસ્તાન પર ફરી હુમલાની ધમકી પણ આપી છે. 

મીડિયામાં એવા રિપોર્ટ છે કે, આપણા  સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહેલું કે, પાકિસ્તાન આતંકવાદી હુમલા ના રોકે તો ભારત તેનો જવાબ લશ્કરી કાર્યવાહી કરીને આપશે. ખ્વાજા આસિફે તેના જવાબમાં ભારતને વળતી ધમકી આપી છે. આમ તો પાકિસ્તાને પહેલાં ધમકી આપી કે ભારતની ધમકીના જવાબમાં ધમકી આપી એ મુદ્દો મહત્ત્વનો છે જ નહીં પણ છતાં હકીકત એ છે કે,  આસિફની અઠવાડિયાના ગાળામાં જ ભારતને આ બીજી ધમકી છે. રાજનાથના નિવેદનના બે દિવસ પહેલાં જ આસિફે ભારત સામે ઝેર ઓકતાં કહેલું કે, ભારતની કોઈ પણ લશ્કરી કાર્યવાહીનો પાકિસ્તાન ત્વરિત અને જડબાતોડ જવાબ આપશે તેથી ભારત કોઈ ભ્રમમાં ના રહે. 

ખ્વાજા આસિફે તો એવો હાસ્યાસ્પદ દાવો પણ કર્યો કે ભારત પોતાની એજન્સી અથવા જેલમાં બંધ પાકિસ્તાનીઓનો ઉપયોગ કરીને આતંકવાદી હુમલાનો ખોટો ડ્રામા બનાવી રહ્યું છે પણ ગયા વર્ષની જેમ આ વખતે પણ ભારતે શરમજનક સ્થિતિમાં મુકાવું પડશે. આસિફે તો એવી હાસ્યાસ્પદ વાત પણ કરી છે કે, ભારત પાકિસ્તાન સામે આતંકવાદનો આક્ષેપ કર્યા કરે છે પણ આ દાવાને સાચો સાબિત કરવા માટે કોઈ પુરાવો કદી આપ્યો નથી.

આસિફ મિયાંએ બીજો પણ બહુ બધો બકવાસ કર્યો છે અને એ બધાની વાત માંડવામાં માલ નથી કેમ કે આ બધી વાતો અર્થહીન છે. આસિફ મિયાં સહિતના પાકિસ્તાનના શાસકોએ આવી વાતો કર્યા કરવી પડે છે કેમ કે ભારત વિરુદ્ધ ઝેર ઓકવા અને બકવાસ વાતો કરવા સિવાય તેમની પાસે કોઈ આરો નથી. અમેરિકાના ઈરાન પરના હુમલાને કારણે આખી દુનિયાની હાલત બગડી છે પણ પાકિસ્તાનની હાલત બદથી બદતર થઈ છે. 

ભિખારી પાકિસ્તાન પહેલાંથી જ ભૂખમરા અને જીવનજરૂરી ચીજોની અછતથી પિડાતું હતું જ પણ યુધ્ધ તેમની હાલત વધારે ખરાબ કરી છે. ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા તેમાં પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે અને વધારે નાણાં આપવા છતાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ નથી મળી રહ્યાં. પેટ્રોલનો ભાવ લિટરના 500 રૂપિયાને પાર થઈ ગયો છે ને ડીઝલ પણ 400 રૂપિયાને આંબી ગયું છે તેથી લોકોની હાલત ખરાબ છે. પાકિસ્તાને યુદ્ધ શરૂ થયું ત્યારે જ સ્કૂલ-કોલેજોમાં રજા ને 60 ટકા સરકારી વાહનો ગેરેજમાં મૂકી દેવા સહિતનાં પગલાં લીધેલાં છતાં બે છેડા ભેગા થતા નથી.

પાકિસ્તાન પાસે ઊંચા ભાવે ક્રૂડ ખરીદવા માટે વિદેશી હૂંડિયામણ જ નથી ને સઉદી અરેબિયા સહિતના દેશો પોતે યુદ્ધના કારણે અટવાઈ ગયા છે તેથી પાકિસ્તાનને ટુકડા ફેંક્યા કરતા હતા એ બંધ કરી દીધા છે. આ કારણે પાકિસ્તાનની હાલત ખરાબ છે. બાકી હતું તે યુએઈએ જૂનાં લેણાંની ઉઘરાણી કાઢી છે. પાકિસ્તાને યુએઈ પાસેથી લીધેલા બે અબજ ડૉલર વ્યાજ સાથે વધીને 3.5 અબજ ડૉલર થઈ ગયા છે.  ઈરાનના હુમલાને કારણે લોકો યુએઈ છોડીને ભાગી રહ્યા છે તેથી યુએઈએ આર્થિક નુકસાન સરભર કરવા પાકિસ્તાનનું નાક દબાવ્યું છે. પાકિસ્તાને આ નાણાં આપવાં જ પડે તેમ હોવાથી પાકિસ્તાની શાસકો દોડતા થઈ ગયા છે. 

યુએઈ સહિતના કહેવાતાં મિત્ર રાષ્ટ્રોને પાકિસ્તાને કુલ 12 અબજ ડૉલર ચૂકવવાના થાય છે. અત્યારે પાકિસ્તાનના બધા મિત્ર દેશો દબાણમાં છે ને ઈરાને તેમની ઓખાત બગાડી દીધી છે તેથી યુએઈના રવાડે ચડીને બીજા દેશો પણ પઠાણી ઉઘરાણી શરૂ કરી શકે છે. એક તરફ ઉઘરાણીનું દબાણ ને બીજી તરફ મોંઘવારીના કારણે લોકોની રાડારાડ એમ બેઉ બાજુથી પાકિસ્તાનના શાસકો ભીંસમાં છે. 

આ ભીંસ આવે ત્યારે પાકિસ્તાનના શાસકોને તરત ભારત યાદ આવે છે કેમ કે ભારત સામે શાબ્દિક મર્દાનગીથી પાકિસ્તાનીઓ ઝૂમી ઉઠે છે. ભારત સામે બીજા કોઈ પ્રકારની મર્દાનગી બતાવવાની પાકિસ્તાનની ઔકાત નથી તેથી પાકિસ્તાનીઓ આ રીતે સંતોષ માને છે. પાકિસ્તાનના નેતાઓ આ વાત સારી રીતે જાણે છે તેથી થૂંક ઉડાડીને પોતાની પ્રજાને સંતોષ આપે છે. બીજું તો કરી પણ શું શકે ? 

ખ્વાજા આસિફે પોતાની ધમકીમાં કોલકાતાનો ઉલ્લેખ કર્યો એ નવું છે. કોલકાતાનો ઉલ્લેખ કરીને ખ્વાજા એવું બતાવવા માગે છે કે, હવે બાંગ્લાદેશ પણ અમારા બાપનો બગીચો છે ને અમે બાંગ્લાદેશમાંથી પણ ભારત પર હુમલા કરી શકીએ છીએ. આ મૂરખ માણસને શું કહેવું ? 1965ના યુદ્ધ વખતે બાંગ્લાદેશ પાકિસ્તાનનો જ ભાગ હતું ને પાકિસ્તાને ત્યાંથી હુમલા કરેલા જ છતાં ભારતનું શું તોડી લીધેલું ? કંઈ નહીં. ભારત એ વખતે પણ પોતાની રક્ષા કરવા માટે સક્ષમ હતું ને અત્યારે પણ સક્ષમ છે જ. 

બીજું એ કે, બાંગ્લાદેશમાં નવી સરકાર આવી ને તારીક રહેમાન વડા પ્રધાન બન્યા પછી તેમણે પાકિસ્તાનને વેગળું કરવા માંડ્યું છે. બલ્કે હડધૂત કરવા માંડ્યું છે ને છતાં ખ્વાજા જેવા નકટા બાંગ્લાદેશ તેમની સાથે હોવાની વાતો કરે છે. 

ખ્વાજા સહિતના પાકિસ્તાની ગમે તે થૂંક ઉડાડે, ભારતને કોઈ ફરક પડતો નથી પણ પાકિસ્તાનીઓએ એ ભ્રમમાંથી પણ બહાર આવી જવાની જરૂર છે કે, તમે કોલકાતા પર હુમલો કરશો ને ભારત કંઈ નહીં કરે. 1971માં બાંગ્લાદેશની સરહદે પાકિસ્તાને છમકલું કર્યું તેમાં તો પાકિસ્તાનના બે ટુકડા કરી દીધેલા, આ વખતે સીધા ચાર ટુકડા થઈ જશે એટલે જે છે એ સાચવવું હોય તો માપમાં રહો, મિયાં.