Thu Apr 30 2026

Logo

કચ્છનું 'સફેદ સોનું': ઔષધીય ગુણોથી ભરપૂર ઊંટડીનું દૂધ હવે વૈશ્વિક ફલક પર

2026-04-30 11:31:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ “ઊંટ મેલે આંકડો ને બકરી મૂકે કાંકરો” - આ કહેવતને સાર્થક કરતા કચ્છના રણપ્રદેશમાં વસતા ઊંટ આજે માત્ર વાહનવ્યવહારનું સાધન જ નહીં, પણ આરોગ્ય માટે ‘અમૃત’ સમાન ગણાતા દૂધના સ્ત્રોત તરીકે ઉભરી રહ્યા છે. ભાતીગળ પ્રદેશ કચ્છની વૈવિધ્યસભર વનસ્પતિઓ આરોગતા ઊંટનું દૂધ તેના અદભૂત ઔષધીય ગુણોને કારણે હવે 'સફેદ સોનું' તરીકે ઓળખાઈ રહ્યું છે.

કચ્છના ઊંટ ખારી જાર, બાવળ, કેરડો, લીમડો, ખીજડો અને થોર જેવી ૨૦થી વધુ પ્રકારની વનસ્પતિઓ ચરે છે. નિષ્ણાતોના મતે, આ જંગલી વનસ્પતિઓના સેવનથી ઊંટડીના દૂધનું પોષણમૂલ્ય અનેકગણું વધી જાય છે. સાઉદી જર્નલ ઓફ બાયોલોજિકલ સાયન્સના રિસર્ચ મુજબ, ઊંટડીના દૂધમાં ગાયના દૂધ કરતા ત્રણથી પાંચ ગણું વધુ વિટામિન-સી હોય છે. વળી, તેનું પ્રોટીન માળખું માનવ દૂધ (માતાના દૂધ) સાથે સામ્યતા ધરાવતું હોવાથી તે નવજાત શિશુઓ અને એલર્જી ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

ઊંટડીનું દૂધ વિટામિન બી-૧૨, ઝીંક, આયર્ન અને કેલ્શિયમથી સમૃદ્ધ છે. જે લોકો લેક્ટોઝ અસહિષ્ણુતા (Lactose Intolerance) ધરાવે છે અથવા જેમને ગાય-ભેંસના દૂધથી એલર્જી છે, તેમના માટે આ દૂધ આશીર્વાદરૂપ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તે અત્યંત અસરકારક છે અને હાડકાંની મજબૂતી તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

ભારતના કુલ ઊંટોના ૯૦ ટકા વસ્તી ગુજરાત અને રાજસ્થાનમાં છે. જોકે, આંકડાકીય દ્રષ્ટિએ ઊંટોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. વર્ષ ૧૯૭૦માં ૧૧ લાખની સંખ્યા સામે ૨૦૧૯માં માત્ર ૨.૫ લાખ ઊંટ જ બચ્યા છે. ૨૦૧૯માં ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ઊંટના દૂધને ખાદ્ય પદાર્થ તરીકે માન્યતા મળ્યા બાદ પશુપાલકોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. સરહદ ડેરીના સ્થાપક ચેરમેન વલમજી હુંબલના જણાવ્યા મુજબ, અગાઉ જે દૂધ ૨૦-૨૫ રૂપિયે વેચાતું હતું, તેની માગ વધતા હવે દૈનિક ૫૦૦૦ લિટર જેટલું દૂધ એકત્રિત કરવામાં આવે છે.

કચ્છમાં મુખ્યત્વે રબારી, ફકીરાણી જત અને સમા સમુદાય ઊંટ ઉછેર સાથે સંકળાયેલા છે. આ સમુદાયો વચ્ચે 'લાકડીભાઈ' જેવો અતૂટ સામાજિક સંબંધ જોવા મળે છે, જ્યાં ધર્મના ભેદભાવ વગર ૩૫૦થી વધુ પરિવારો સાથે મળીને આ વ્યવસાયના નિર્ણયો લે છે. ખારાઈ ઊંટ, જે દરિયાના પાણીમાં તરી શકે છે, તે કચ્છની ઓળખ બની ગયા છે.

હાલમાં ઊંટડીના દૂધમાંથી માત્ર કાચું દૂધ જ નહીં, પણ મિલ્ક પાવડર, ચોકલેટ, કેસર ફ્લેવર્ડ દૂધ અને આઈસ્ક્રીમ જેવી આધુનિક પેદાશો બનાવી ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચવામાં આવી રહી છે. હવે આ 'કચ્છી અમૃત'નો પાવડર વિદેશમાં નિકાસ કરવાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે, જે આગામી સમયમાં કચ્છના પશુપાલકો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે.

(ઉત્સવ વૈદ્ય)