Thu Apr 30 2026

Logo

વડાપ્રધાન મોદી મે મહિનામાં યુરોપના ચાર દેશોની મુલાકાતે જશે! આ ક્ષેત્રો પર રહેશે નજર

2026-04-30 09:54:00
Author: Sapna Desai
Article Image

નવી દિલ્હી: વૈશ્વિક તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનામાં યુરોપના ચાર દેશોનો મુલાકાતે જવાના છે, આ મુલાકાત દરમિયાન વેપાર અને સુરક્ષા સહયોગ, યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષો અને ઊર્જા અને સપ્લાય ચેઈન વિક્ષેપોને પહોંચી વળવા વગેરે મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 

અહેવાલ મુજવ વડાપ્રધાન મોદી 15-20 મે દરમિયાન નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના પ્રવાસે જશે. વડાપ્રધાન મોદી નોર્વેમાં ત્રીજી ઇન્ડિયા-નોર્ડિક સમિટમાં ભાગ લેશે. અહેવાલ મુજબ યુરોપ મુલાકાતની શરૂઆતમાં અથવા અંતે વડાપ્રધાન મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ટૂંકું રોકાણ કરી શકે છે.  

વડાપ્રધાનની નેધરલેન્ડ મુલાકાત વેપારથી માંડીને ગ્રીન ઇકોનોમી સુધીના ક્ષેત્રોમાં સહયોગ માટે મહત્વની રહેશે. બંને પક્ષોએ તાજેતરના વર્ષોમાં પાણી, આરોગ્ય, સ્વચ્છ ઉર્જા, સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવ્યો છે.

સેમિકન્ડક્ટર્સ અંગે થઇ શકે છે કરાર:
નેધરલેન્ડની મુલાકાત દરમિયાન સેમિકન્ડક્ટર્સ સેક્ટરમાં સહયોગ અંગે મહત્વના કરાર થઇ શકે છે. ભારતમાં રોકાણની તકો અંગે ચર્ચા કરવા માટે માર્ચ મહિનામાં ભારતીય વેપાર પ્રતિનિધિમંડળે નેધરલેંડના સેમિકન્ડક્ટર હબ આઇન્ડહોવનની મુલાકાત લીધી હતી. 

સ્વીડનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, ઇનોવેશન અને ટેકનોલોજી જેવા સેક્ટરમાં સહયોગની સમીક્ષા કરવામાં આવશે. સ્વીડને 2018 માં પ્રથમ ઇન્ડિયા-નોર્ડિક સમિટનું પણ આયોજન કર્યું હતું.

ઇટાલીના પ્રવાસ દરમિયાન આ ક્ષેત્રે નજર:
વડાપ્રધાન મોદીની ઇટાલી મુલાકાત દરમિયાન વેપારથી માંડીને સુરક્ષા અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઇટાલી યુરોપિયન યુનિયન(EU)નો મુખ્ય સભ્ય છે, ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આવતા વર્ષની શરૂઆતમાં અમલમાં આવશે, ઇટાલી મુલાકાત દરમિયાન આ  ટ્રેડ એગ્રીમેન્ટ અંગે ચર્ચામાં કરવામાં આવશે.

ગત વર્ષે મુલાકાત રદ કરવામાં આવી હતી:
નોંધનીય છે કે ગત વર્ષે 13-17 મે, 2025ના રોજરોજ વડાપ્રધાન મોદી  ક્રોએશિયા, નોર્વે અને નેધરલેન્ડની મુલાકાતે જવાના હતાં,પરંતુ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરવાંમાં આવેલા ઓપરેશન સિંદૂરને કારણે વડાપ્રધાન મોદીની આ મુલાકાત રદ કરવામાં આવી હતી.