Fri Sep 04 2026

Logo

અમેરિકાના એક્સપર્ટે ખોલી નાંખી પાકિસ્તાનની પોલ, કહ્યું દસ વર્ષમાં દાટ વાળી દીધો

Karachi   2026-03-24 22:16:33
Author: Mumbai Samachar Team
અમેરિકાના એક્સપર્ટે ખોલી નાંખી પાકિસ્તાનની પોલ, કહ્યું દસ વર્ષમાં દાટ વાળી દીધો

કરાંચીઃ પાકિસ્તાનની સ્થિતિ કેટલી ખરાબ છે તેની પોલ એક અમેરિકન નિષ્ણાંતે ખોલી છે. અમેરિકન પત્રકાર, લેખક અને જિયોપોલિટિકલ એક્સપર્ટ ફરીદ ઝકારિયાએ પડોશી દેશની નબળી સિસ્ટમ, સરકારથી લઈને સંસ્થાઓમાં ચાલતા ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતાં બગડેલી પરિસ્થિતિ માટે ત્યાંની સેનાને જવાબદાર ઠેરવી છે. ઝકારિયાએ કહ્યું કે, પાકિસ્તાનની અધોગતિ પાછળ એમની પોતાની સેના છે. એક કાર્યક્રમમાં તેમણે પાકિસ્તાન અને ભારતની તુલના કરી હતી. 

ભારતનો ઉલ્લેખ કરીને વાત કરી

ભારતનો ઉલ્લેખ કરીને વાત કરતા કહ્યું હતું કે,  ભારતમાં એક સમય કૃષિ, પેટ્રોલ-ડીઝલ અને રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરાતી હતી, પરંતુ હવે ભારત સ્માર્ટફોનના મોટા મર્ચેન્ડાઇઝ નિકાસકાર તરીકે ઊભરી રહ્યું છે, જેના કારણે તેને વિશ્વમાં નવી ઓળખ મળી રહી છે.  માત્ર 10 વર્ષ પહેલાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કિંગમાં પાકિસ્તાન ભારતથી 50 પોઈન્ટ આગળ હતું, પરંતુ આજે પાકિસ્તાનની પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. અહીંનું સિસ્ટમ અવ્યવસ્થિત છે અને દેશમાં સેનાનું પ્રભુત્વ છે. આ સમસ્યાનો ક્યારેય ઉકેલ આવ્યો નથી. પાકિસ્તાનની સિસ્ટમથી લઈને ત્યાંની સરકાર અને સંસ્થાઓ યોગ્ય રીતે કામ નથી કરી રહી. કાયદાઓનો કોઈ અર્થ નથી, હકીકતમાં દરેક જગ્યાએ માત્ર અવ્યવસ્થા અને ભ્રષ્ટાચાર જ જોવા મળે છે. તેમણે ઇશારાઓમાં આ પણ જણાવી દીધું કે પાકિસ્તાનમાં સેનાનો કંટ્રોલ છે.

ભારતની પ્રશંસા

આ દરમિયાન ભારતમાં થનારા બદલાવ અને સિદ્ધિઓ વિશે પણ જણાવ્યું. ભારતમાં થતી સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગનો ઉલ્લેખ કરતાં ઝકારિયાએ કહ્યું કે ચાર વર્ષ પહેલા ભારતમાં એક પણ iPhone બનાવાતું નથી, પરંતુ આજે તે ચીનને પાછળ મૂકીને અમેરિકા માટે સૌથી વધુ સ્માર્ટફોન બનાવનાર દેશ બની ગયું છે. તેમણે કહ્યું કે હાલ ભારતમાં સ્માર્ટફોનના 25 ટકા અને iPhoneના આશરે 50 ટકા ઉત્પાદન થાય છે.