કાબુલ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સરહદી તણાવમાં ફરી એકવાર તણાવ પેદા થયો છે. રવિવારે વહેલી સવારે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની સરહદ પર હવાઈ હુમલો કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં ટીટીપીના અનેક આતંકીઓ માર્યા ગયા હોવાની આશંકા છે. સોશિયલ મીડિયા પર આ એરસ્ટ્રાઈકના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
મળતી વિગતો અનુસાર, આ સૈન્ય કાર્યવાહી શનિવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા આત્મઘાતી હુમલાના જવાબમાં કરવામાં આવી હોવાનું મનાય છે. શનિવારે ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા એક ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ અથડામણમાં પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ કર્નલ શહજાદા ગુલ ફરાજ અને સિપાહી કરામત શાહનું મોત થયું હતું. સેનાના પ્રવક્તાના જણાવ્યા મુજબ, સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા, પરંતુ વિસ્ફોટકોથી ભરેલા વાહનના ધડાકાને કારણે સેનાએ જાનહાનિ ભોગવવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સરકાર ટીટીપીના આતંકવાદીઓ માટે 'ફિતના-અલ-ખ્વારિજ' શબ્દનો ઉપયોગ કરે છે. તાજેતરમાં જ મલાંગી વિસ્તારમાં એક મદરેસા નજીક થયેલા વિસ્ફોટની ઘટનામાં આતંકવાદીઓએ પહેલા ગોળીબાર કર્યો અને પછી ધડાકો કર્યો હતો, જેના કારણે આસપાસની ઇમારતોને ભારે નુકસાન થયું હતું. સતત વધતી જતી આતંકવાદી પ્રવૃત્તિઓને પગલે પાકિસ્તાની સેનાએ સરહદ પાર જઈને ટીટીપીના સુરક્ષિત ઠેકાણાઓને તોડી પાડવાનો નિર્ણય લીધો હોવાનું જણાય છે.
આ એરસ્ટ્રાઈક બાદ હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ વણસી શકે છે. ભૂતકાળમાં પણ જ્યારે પાકિસ્તાને અફઘાન સરહદ પર હુમલા કર્યા છે, ત્યારે તાલિબાન સરકાર અને પાકિસ્તાની સેના સામસામે આવી ગઈ છે. ઘણીવાર સરહદી વિસ્તારોમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થતા યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે. વર્તમાન હુમલા બાદ અફઘાનિસ્તાન તરફથી કેવો પ્રતિસાદ મળે છે તેના પર સમગ્ર એશિયાની નજર ટકેલી છે, કારણ કે આ ઘટના બંને દેશો વચ્ચેના તણાવમાં ઘી હોમવાનું કામ કરી શકે છે.