નરેશ શાહ
એ ઈશ્ક તેરી જાત હૈ ક્યા
કયા ધર્મ હૈ તેરા, યાદ હૈ ક્યા?
પી સે પ્યાર (કરવા જેવો છે), એફ સે ફરાર (થવા જેવું છે)
આપણી સંસ્કૃતિ, જ્ઞાતિજાતિના ગૌરવ, સામાજિક સમરસતાના ડીએનએ ક્યારે અને કેમ, પ્રેમ વિરોધી થઈ ગયા, એ અભ્યાસ તેમજ આર્ગ્યુમેન્ટનો વિષય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મોડર્ન થવાની સાથે આપણે દિનબદિન માનસિક વધુને વધુ સંકુચિત અને સેન્સીટિવ થતાં જઈએ છીએ. આ સત્યના પરચા અખબારો, ન્યૂઝ ચેનલો, સોશ્યલ મીડિયા અને ફિલ્મો-વેબસિરીઝ છાશવારે આપતાં રહે છે. એમેઝોન પ્રાઈમ વીડિયો પર ડાયરેક્ટ સ્ટ્રીમ થયેલી ‘પી સે પ્યાર, એફ સે ફરાર’ ફિલ્મ પણ આપણા સામાજિક તાણાવાણા પરનો તમાચો જ છે!
મનોજ તિવારીએ લખેલી-નિર્દેશિત કરી ‘પી સે પ્યાર, એફ સે ફરાર’ ફિલ્મ નામ પરથી હલકી-ફૂલકી યા કોમેડી હોવાની છાપ ઉપસાવે છે, પરંતુ એ એક ગંભીર તેમજ આંચકો આપે તેવી લવસ્ટોરી છે. પાંત્રીસ વર્ષ પહેલાં 1988માં આવીને સુપરહિટ થયેલી ‘કયામત સે કયામત તક’ (પાપા કહેતે હૈ બડા નામ કરેગા ગીતવાળી) ફિલ્મ તમે ન જોઈ હોય તો પણ કાન પકડીને એ સ્વીકારવું રહ્યું કે, 2026માં પણ એ વિષય રિલેવન્ટ જ છે... મથુરાના પાર્ષદ (કોર્પોરેટર) ઓમકાર સિંહ માત્ર લવજેહાદનો જ કટ્ટરવિરોધી નથી, પરંતુ જ્ઞાતિજાતિના ઉચ્ચનીચમાં પણ સ્ટ્રોંગલી બિલીવ કરનારો આગેવાન છે.
ઓમકાર સિંહના પરિવારની પણ આવી જ માનસિકતા છે. બેશક, તેનો નાનો ભાઈ રાજવીર સિંહ થોડો ઠરેલ છે. સમાજમાં પોતાનો પ્રભાવ અને ‘ન્યાયપ્રિયતા’ સાબિત કરવા ઓમકાર સિંહ બીજી જ્ઞાતિના પ્રેમી યુવકને તો સજારૂપે વીંધી જ નાખે છે, પણ પોતાના સમુદાયમાં પ્રથા પ્રત્યેનો ડર જાગૃત રાખવા (પોતાના સમાજની જ) યુવતીની પણ હત્યા કરતાં ખચકાતો નથી, પણ... જડ માનસિકતાના ઝાળામાં જુવાની ગૂંચવાતી હોતી નથી.
કરૂણતા એ છે કે સમય અને સંસાધનો અને સૃષ્ટિમાં ગમે તેટલું પરિવર્તન આવી જાય, પણ બુદ્ધિ અને માન્યતામાં જડતાનો ગઠ્ઠો ઓગળવાનું કે ઢિલા પડવાનું નામ લેતો નથી. એ કડક, કઠોર અને કટ્ટર જ રહે છે. ફિલ્મમાં તો ઠીક છે કે ઓમકાર સિંહને રાજકારણી દેખાડવામાં આવ્યાં છે પણ વાસ્તવિક સમાજમાં તો એકદમ તળિયે જીવતો કે રોજેરોજનું કમાતો માણસ પણ અમુક બાબતોમાં, ખાસ કરીને પ્રેમ બાબતમાં, પોતાનું જક્કી વલણ રાખીને ન કરવાનું કરી નાખે તેના કિસ્સા છાશવારે મીડિયામાં ધ્રાસ્કો આપતા રહે છે.
એની વે, આપણે ફિલ્મની વાત કરીએ.
ખુદ ઓમકાર સિંહની એકની એક દીકરી જહાન્વી નીચલી જાતિના સ્પોટર્સમેન કમ શેરડીનો સંચો ચલાવતાં યુવક સૂરજ માલીના પ્રેમમાં પડીને ભાગી જાય છે. પ્રતિષ્ઠા, પરંપરા (‘મહૌબ્બતે’ ફિલ્મ) ખાતર જ જીવતાં ઓમકાર સિંહ અને તેના પરિવાર પર તો જાણે વીજળી ત્રાટકે છે અને...
ઓમકાર સિંહ (કુમુદ મિશ્રા), તેનો નાનો ભાઈ રાજવીર સિંહ (જીમી શેરગિલ) ફરાર થઈ ગયેલા જહાન્વી (જ્યોતિ યાદવ) અને સૂરજ માલી (ભાવેશકુમાર)નો ફરી કબજો મેળવવા જંગે ચઢે છે. આમ જુઓ તો વાત ભલે, પ્રિડિકટેબલ લાગે, પરંતુ ‘પી સે પ્યાર, એફ સે ફરાર’ ફિલ્મમાં ભાગતા પ્રેમીઓ અને શોધતા પરિવારની ભાગદોડી ફ્રેશ લાગે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ તો રીતસર ઝટકો આપે તેવો છે.
આ ફિલ્મ જોવાનું બીજું કારણ તેનું કાસ્ટિંગ છે. કુમુદ મિશ્રા, જીમી શેરગિલ, ઝાકિર હુસૈન, ગિરીશ કુલકર્ણી, બીજેન્દ્ર કાલા જેવા તગડાં એક્ટર તેમાં છે. કેમિયો જેવા પણ સાર્થક પાત્રમાં સંજય મિશ્રા (મિસ્ટર ઈન્કવાયરી) છે. ભલે, પ્રેમી-પ્રેમિકા તરીકે નવોદિત ભાવેશકુમાર અને જ્યોતિ યાદવ થોડા નબળા લાગે પણ કુમુદ મિશ્રાને કઠોર હૃદયના નેતા તરીકે અને જીમી શેરગિલને વાણિયાબુદ્ધિ ધરાવતા નાના ભાઈ તરીકે જોવાની મજા આવે છે.
મથુરા, દિલ્હી, અલવરની સફરે લઈ જતી ‘પી સે પ્યાર, એફ સે ફરાર’ ફિલ્મમાં ચોક્કસ સિચ્યુએશન માટેનાં ગીતો રીપુલ શર્મા અને સંજીવ ચતુર્વેદીએ લખ્યા છે, પરંતુ રીપુલ શર્માએ જ લખેલું-કમ્પોઝ કરેલું ગીત- ‘એ ઈશ્ક તેરી જાત હૈ ક્યા, ક્યા ધર્મ હૈ તેરા, યાદ હૈ ક્યા?’ ફિલ્મ અને પ્રેમ-ઈશ્ક-મહોબ્બત પ્રત્યેના જડ લોકોના અભિગમ માટે પરફેક્ટ છે.
આ ગીતની જ એક પંક્તિ સાથે પૂરું કરીએ:
‘હર શખસ ખુદા બના બૈઠા હૈ, તું કહે દે તેરી બિસાત હૈ... એ ઈશ્ક તેરી જાત હૈ ક્યા?’