હૈદરાબાદ: પીએમ મોદીની ઇંધણ બચાવવાની અને સોનું નહિ ખરીદવાની સલાહ બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ સરકાર દેશની અસલી સ્થિતી અને અર્થતંત્રની હાલત દેશભકિતની આડમાં છુપાવી રહ્યા છે.
દેશના લોકો માટે મુશ્કેલીઓ સહન કરવાનો સમય આવ્યો
અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં જણાવ્યું કે, એવું લાગે છે કે પરિસ્થિતિ વધુ બગડવાની તૈયારીમાં છે અને હવે દેશના લોકો માટે મુશ્કેલીઓ સહન કરવાનો સમય આવી ગયો છે. અસદુદ્દીન ઓવૈસીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે , સરકાર ઇચ્છે છે કે દેશ સોનાનો ભંડાર જાળવી રાખે અને વેપાર માટે ડોલરનો ઉપયોગ કરે. તેમજ વર્ષ 1991 માં ચુકવણી સંતુલન કટોકટીને કારણે ભારતે 47 ટન સોનું લંડન મોકલ્યું હતું. આજે વર્ષ 2026 માં તે જ ભારત લંડનથી સોનું પાછું લાવી રહ્યા છે.
વડાપ્રધાનનું નિવેદન ખૂબ જ આઘાતજનક
AIMIM વડા અસદુદ્દીન ઓવૈસી જણાવ્યું કે, જ્યારે દેશ પાસે 691 બિલિયન ડોલરનો વિદેશી હૂંડિયામણ ભંડાર છે અને આટલો મોટો સોનાનો ભંડાર છે. તો દેશે આ સમસ્યાઓનો સામનો કેમ કરવો પડી રહ્યો છે. તેમજ આ સંદર્ભમાં વડાપ્રધાનનું નિવેદન ખૂબ જ આઘાતજનક છે.
પીએમ મોદીએ ઇંધણની બચત કરવા અપીલ કરી
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ રવિવારે જણાવ્યું હતું કે સરકાર મિડલ ઈસ્ટના તણાવના પ્રતિકૂળ પરિણામોથી લોકોને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે. તેમણે અર્થતંત્રની સતત મજબૂતાઈ સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જેમાં તેમણે ઇંધણનો સમજદારીપૂર્વક ઉપયોગ, સોનાની ખરીદી અને વિદેશ યાત્રા ટાળવા જણાવ્યું હતું.