Mon Sep 14 2026

Logo

ભારત માતા નથી, અમે ભારતના લોકો..': અસદુદ્દીન ઓવૈસી- વંદે માતરમ રાષ્ટ્રગાન સમકક્ષ નહીં માનીએ

2026-05-08 13:16:00
Author: Mumbai Samachar Team
ભારત માતા નથી, અમે ભારતના લોકો..': અસદુદ્દીન ઓવૈસી- વંદે માતરમ રાષ્ટ્રગાન સમકક્ષ નહીં માનીએ

નવી દિલ્હી: AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રાષ્ટ્રગીત 'વંદે માતરમને રાષ્ટ્રગાન 'જનગણ મન' સમકક્ષનો વૈધાનિક દરજ્જો આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે 'વંદે માતરમ'ને રાષ્ટ્રગાન સમકક્ષ ન ગણી શકાય કારણ કે તે એક દેવીને સમર્પિત છે. 

ગુરુવારે એક્સ પર એક લાંબી લચક પોસ્ટમાં  હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ લખ્યું કે દેશ, દેવતા કે દેવીના નામે નથી ચાલતો અને તે કોઇ દેવી કે દેવતાનો છે પણ નહીં.

બંકિમચંદ્ર ચેટર્જીને ગણાવ્યા મુસ્લિમ વિરોધી

ઓવૈસીએ લખ્યું કે, 'જન ગણ મન કોઇ ખાસ ધર્મનું નહીં પરંતુ ભારત અને તેના લોકોનું ગુણગાન છે. ધર્મ અને દેશ સમાન નથી. જે વ્યક્તિએ વંદે માતરમ લખ્યું તેમની બ્રિટીશ રાજ પ્રત્યે સહાનુભૂતિ હતી અને મુસલમાનોથી નફરત કરતા હતા. નેતાજી બોઝ, ગાંધી, નહેરુ અને ટાગોર બધાએ તેને ફગાવ્યું.

'ભારત કોઈ દેવી કે દેવતાનું નથી'

ઓવૈસીએ જણાવ્યું  કે બંધારણ સભાના કેટલાક સભ્યો ઈચ્છતા હતા કે બંધારણની પ્રસ્તાવના (Preamble) ની શરૂઆત 'કોઈ દેવી' ના નામથી થાય. આવા સભ્યોએ ખાસ કરીને 'વંદે માતરમ્' પર ભાર મૂક્યો હતો. જ્યારે અન્ય કેટલાક સભ્યો ઈચ્છતા હતા કે તેની શરૂઆત 'દેવતાના નામે' થાય. ઓવૈસીએ વધુમાં કહ્યું કે, બંધારણ સભામાં આ તમામ સુધારા (Amendments) ફગાવી દેવામાં આવ્યા એટલે કે તે પસાર થઇ શક્યા નહીં.

તેલંગાણા ભાજપે જિન્ના સાથે કરી ઓવૈસીની તુલના

ઓવૈસીના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. તેલંગાણા ભાજપના નેતા એન. રામચંદ્ર રાવે અસદુદ્દીન ઓવૈસીના વાંધા સામે વિરોધ નોંધાવતા કહ્યું કે, ઓવૈસી સાંસ્કૃતિક એકતાના કોઈપણ પ્રયાસને 'ધાર્મિક ખતરા' તરીકે જુએ છે. તેમણે આરોપ લગાવ્યો કે મોહમ્મદ અલી ઝીણા પણ આ જ રણનીતિ અપનાવતા હતા. ભાજપ નેતાના જણાવ્યા મુજબ, પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં ઝીણાએ 'વંદે માતરમ્'નો વિરોધ નહોતો કર્યો. પરંતુ, જ્યારે ઝીણા કોંગ્રેસ છોડીને ગયા, ત્યારે તેમણે 'વંદે માતરમ્'નો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું.

રામચંદ્ર રાવે તેમના 'X' (ટ્વિટર) પોસ્ટ પર લખ્યું: "આ શું દર્શાવે છે? જ્યારે રાજકારણ 'ધાર્મિક કટ્ટરતા' (Religious Exclusivism) પર નિર્ભર થઈ જાય છે, ત્યારે સંસ્કૃતિના દરેક પ્રતીકને ખતરો માની લેવામાં આવે છે." તેમના આરોપો મુજબ, આ જ પેટર્ન પર ઓવૈસીની પાર્ટી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને ટ્રિપલ તલાક નાબૂદીનો પણ વિરોધ કરે છે અને કરી ચૂકી છે.

મોદી સરકારે વંદે માતરમને રાષ્ટ્રગાનનો દરજ્જો આપ્યો

હકીકતમાં કેન્દ્ર સરકારે એક પ્રસ્તાવને મંજૂરી આપી છે, જે મુજબ જન ગણ મનની જેમ જ વંદે માતરમ માટે કોઇપણ રીતે  અવરોધ ઉભો કરવો એક દંડનીય અપરાધ માનવામાં આવશે. આનાથી રાષ્ટ્રગીત વંદે માતરમને બંધારણીય સુરક્ષા મળી જાય છે જે રાષ્ટ્રગાન જન મન ગણને મળી છે.