Fri Jun 19 2026

Logo

ગુજરાતમાં આજે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ભારે પવન ફૂંકાવાની શક્યતા

2026-06-03 08:40:56
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. જે પૈકી બે સાઇક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે.જેના કારણે આજે રાજ્યના 11 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આજે આ 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિક દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે મોટાભાગના જિલ્લાઓમાં ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આગામી એક બે દિવસમાં હજી પણ વધુ ઘટાડો થવાની શક્યતા છે. અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા પણ ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી છે.

ડાંગ જિલ્લામાં અને પ્રવાસી મથક સાપુતારામાં મોડી રાત્રે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. લાંબા સમય પછી વરસાદ આવતા ખેડૂતો અને પ્રવાસીઓમાં આનંદ છવાઈ ગયો હતો. જોકે, ભારે વાવાઝોડાના કારણે સાપુતારામાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા, જેના લીધે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આ ઉપરાંત, પવનના લીધે દુકાનોના છાપરા અને શેડ ઉડી જતાં સ્થાનિક વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું હતું.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, પાટણના સમીમાં સૌથી વધુ 0.55 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરતના કામરેજમાં 0.28 ઇંચ, સુરતના ઓલપાડમાં 0.24 ઇંચ, બનાસકાંઠાના ઓગડમાં 0.16 ઇંચ, મહેસાણાના વિસનગરમાં 0.16 ઇંચ, વાવ-થરાદના થદામાં 0.12 ઇંચ, તાપીના ઉકાઈમાં 0.12 ઇંચ, બનાસકાંઠાની દાંતીવાડામાં 0.08 ઇંચ, ડાંગના આહવામાં 0.04 ઇંચ વરસાદ પડ્યો હતો.