નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 16થી 18 એપ્રિલના વિશેષ સત્રની જાહેરાત કર્યા પછી વિપક્ષ દ્વારા આવતીકાલે મહત્ત્વની બેઠક બોલાવી છે. કેન્દ્ર સરકારે મહિલા અનામત અને લોકસભાની બેઠકોની સંખ્યામાં વધારો કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ મુદ્દે કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ (I.N.D.I.) સંગઠનમાં પણ તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. તૈયારીઓને આખરી ઓપ દેવામાં આવી રહ્યો છે. આ વિષયને લઈને વિપક્ષે એક મહત્ત્વની બેઠક બોલાવી છે. આ બેઠક મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજવામાં આવશે. આ મુદ્દે એવું પણ જાણવા મળ્યું છે કે, મહિલા અનામત અને બેઠકની સંખ્યા વધારવા માટે આ બેઠકમાં ચર્ચા થશે અને અંતિમ નિર્ણય લેવાશે.
ખડગેના નિવાસસ્થાને બેઠક
રાજાજી માર્ગ પર મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા અનામત સિવાય પણ સંસદીય રણનીતિ અંગે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે. આગામી સત્રમાં જે વિષયની ચર્ચા કરવાની છે એ વિષય અંગે પણ ચર્ચા થઈ શકે છે. વિપક્ષ આ વખતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે એ નક્કી માનવામાં આવે છે. વિપક્ષી ગઠબંધનના જુદા જુદા નેતાઓ પણ આ બેઠકમાં ભાગ લેવાના છે. વિપક્ષની એકતાને મજબૂત કરવા અને સરકારની સામે એકજૂથ થઈને વિરોધ કરવાના હેતુથી આ બેઠકને અતિ મહત્ત્વની માનવામાં આવે છે.
લોકતંત્ર પર કર્યા સવાલ
વિપક્ષનું એવું કહેવું છે કે, સરકાર હવે સંસદમાં બિલને લઈને તૈયારીઓ કરી રહી છે. બિલની સાથે બીજા પણ કેટલાક મુદ્દાઓ તૈયાર છે. આટલા ઓછા સમયમાં સંસદમાં ચર્ચા માટે તૈયારીઓ કેવી રીતે કરવી? સરકાર લોકતંત્રને ખરા અર્થમાં રબ્બર સ્ટેમ્બ બનાવવા માગે છે. વડાપ્રધાન સહિત સરકારે માત્ર પશ્ચિમ બંગાળ અને તમિલનાડુંમાં જ મહિલાઓ પાસેથી મત મેળવવા માટે આ વિષય ઉપાડ્યો છે. કેન્દ્ર સરકારે 16થી 18 એપ્રિલ વચ્ચે સંસદ સત્રનું આયોજન કર્યું છે. આ સત્રમાં મહિલા અનામત બિલને લાગુ કરવા માટે પ્રયાસ થશે.
લોકોનું ધ્યાન ભટકાવવાનો મુદ્દો
વિપક્ષનો આરોપ છે કે, સરકાર ઊર્જાના સંક્ટથી લોકોનું ધ્યાન બીજી દિશામાં ભટકાવવા માટે મહિલા અનામત બિલ લાવી રહી છે. બેઠકમાં વધારો કરવાનું વિચારી રહી છે.આનાથી દક્ષિણ ભારત, ઉત્તર પૂર્વ અને ઉત્તર ભારત વચ્ચે એક તિરાડ પેદા થશે, જે દેશની એકતા અને અખંડિતતા માટે યોગ્ય નથી.
બેઠકમાં વધારાને લઈને વિપક્ષ સહમત નથી.આનાથી ઓબીસીમાં આવતી મહિલાનો હક છિનવાઈ શકે છે. વર્ષ 2023માં મહિલા અનામત બિલ પસાર થઈ ચૂક્યું હતું એ સમયે જ માગ કરવામાં આવી હતી કે, એક જ વર્ષમાં તેને લાગુ કરી દેવામાં આવે. હવે આટલા મહિનાઓ પછી એવું તે શું થયું કે, મોદી સરકાર કાયદામાં અચાનક પરિવર્તન કરવા માગે છે?