અમદાવાદઃ રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે પોલીસે કમર કસી છે. અમદાવાદમાં ગત મોડી રાતથી ફરી બાંગ્લાદેશીઓને પકડવાનું ઓપરેશન શરૂ થયું હતું.ક્રાઈમ બ્રાન્ચે ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગરમાં આ કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ વિસ્તારોને કોર્ડન કરી લીધા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જેમાં કુલ 291 શકમંદોની અટકાયત કરવામાં આવી હતી, આ પૈકી 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ હતી. જ્યારે અન્ય લોકોની પૂછપરછ ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, રાત્રિના સમયે શરૂ થયેલી આ કાર્યવાહી દરમિયાન દરેક શંકાસ્પદ સ્થળો, મકાનો અને વસવાટોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. અટકાયતમાં લેવાયેલા તમામ શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઓળખ, નાગરિકતા, રહેઠાણના પુરાવા અને અન્ય દસ્તાવેજોની વિગતવાર ચકાસણી ચાલી રહી છે.
આ ઓપરેશન અંતર્ગત રાજકોટ શહેરમાંથી પોલીસે 31 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. હાલ આ તમામ લોકોના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ આગામી સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખે તેવી શક્યતા છે.
સુરતમાં પણ પોલીસે બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરવા અલગ અલગ સ્થળ પર દરોડા પાડ્યા હતા. લિબાયત, પાંડેસરા, સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.