Sat Jun 06 2026

Logo

આંદામાન ટાપુ નજીક ઓઇલ ઈન્ડિયાને દરિયાથી મળ્યો કુદરતી ગેસનો ભંડાર

2026-06-05 20:55:07
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં વધતા તણાવના વચ્ચે ઓઇલ  ઈન્ડિયા લિમિટેડને આંદામાન ટાપુઓ નજીક સમુદ્રમાં 355 મીટરની ઊંડાઈએ કુદરતી ગેસના ભંડાર શોધી કાઢ્યા છે. સમુદ્ર મંથન મિશન હેઠળ આ મોટી શોધ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ઓઇલ ઇન્ડિયાને અભિનંદન આપતાં એક્સ પર  આ માહિતી શેર કરી હતી.

'શ્રી વિજયપુરમ-3' નામના સંશોધન કૂવામાં કુદરતી ગેસની હાજરી

આ અંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આંદામાન ટાપુઓના પૂર્વ કિનારાથી 15 કિલોમીટર દૂર 355 મીટરની પાણીની ઊંડાઈએ આવેલા 'શ્રી વિજયપુરમ-3' નામના સંશોધન કૂવામાં કુદરતી ગેસની હાજરી મળી આવી છે. ઓઇલ ઇન્ડિયાએ 1,900 મીટરથી વધુ ઊંડાઈએ ઇઓસીન રચનામાં પ્રારંભિક ઉત્પાદન પરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં સતત ફ્લેરિંગ દ્વારા ગેસની પુષ્ટિ થઈ હતી. 

જેના પગલે  કંપની ગેસ રચના અને તેના ઉર્જા મૂલ્યનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે  નમૂનાઓ એકત્રિત કરી રહી છે. ગેસની ઉત્પતિ સમજવા આઇસોટોપ અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.

 હાઇડ્રોકાર્બન મોરચે આત્મનિર્ભર બનવા માટેના પ્રયાસ 

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી  પુરીએ જણાવ્યું કે,  આ મહત્વપૂર્ણ શોધ એવા સમયે થઈ છે જ્યારે દેશ હાઇડ્રોકાર્બન મોરચે આત્મનિર્ભર બનવા માટે ઝડપી પ્રયાસો કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025 માં સ્વતંત્રતા દિવસ પર 'સમુદ્ર મંથન મિશન' ની જાહેરાત કરી હતી. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ઓફશોર બેસિનના ઊંડા અને અતિ-ઊંડા પાણીમાં મોટી સંખ્યામાં શોધ કુવાઓ ખોદીને હાઇડ્રોકાર્બન ભંડારનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે.

આંદામાન બેસિનમાં સારા પરિણામો 

ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આંદામાન બેસિનમાં ચાલી રહેલા અભિયાનના સારા  પરિણામો મળી રહ્યા છે. સત્તાવાર અહેવાલોએ કંપનીના વર્તમાન સંશોધન અભિયાન હેઠળ અત્યાર સુધી આ પ્રદેશમાં ખોદવામાં આવેલા ત્રણમાંથી બે સંશોધન કુવામાં હાઇડ્રોકાર્બનની હાજરીની પુષ્ટિ કરી છે. આ સફળતા ભારતના દરિયાકાંઠે સુષુપ્ત રહેલી  વિશાળ ઊર્જા સંભાવનાને ઉજાગર કરે છે.  આ નવી કુદરતી ગેસ શોધને  ભારત માટે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવવામાં આવી રહી છે. જે માત્ર સ્થાનિક જરૂરિયાતો જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની શોધ ક્ષમતાઓને પણ સ્થાપિત કરશે.