Tue Oct 06 2026

Logo

ઓડિશામાં ઉઘરાણીએ ગયેલા ગુજરાતના બે બિઝનેસમેનનું અપહરણ, પોલીસે કઈ રીતે બંનેને શોધીને છોડાવ્યા ?

2026-05-11 09:52:00
Author: Mayur Patel
ઓડિશામાં ઉઘરાણીએ ગયેલા ગુજરાતના બે બિઝનેસમેનનું અપહરણ, પોલીસે કઈ રીતે બંનેને શોધીને છોડાવ્યા ?

નવી દિલ્હીઃ ઓડિશામાં ઉઘરાણીએ ગયેલા ગુજરાતના બે બિઝનેસમેનનું અપહરણ થયું હતું. ઓડિશાની ઘાસીપુરા પોલીસે એક ઝડપી ઓપરેશન હાથ ધરીને ગુજરાતના બે ટાઇલ્સ વેપારીઓને અપહરણકર્તા પાસેથી સુરક્ષિત છોડાવ્યા હતા. ₹14.5 લાખની ચુકવણીના વિવાદમાં આ વેપારીઓનું અપહરણ કરી તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ મામલે મુખ્ય શંકાસ્પદ સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી..

ટાઈલ્સના વેપારીઓ જમનભાઈ અને છગનભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, તેઓએ બજરંગ લાલની માલિકીની 'મહાલક્ષ્મી ટાઇલ્સ'ને માલ સપ્લાય કર્યો હતો. જ્યારે આ વેપારીઓએ તેમના આશરે ₹9 લાખના બાકી નીકળતા નાણાંની માંગણી કરી, ત્યારે મામલો બિચક્યો હતો. 

પીડિતોએ આક્ષેપ કર્યો હતો કે બજરંગ લાલે તેમને પોતાના નિવાસસ્થાને ગોંધી રાખ્યા હતા અને ઓછી રકમમાં પતાવટ કરવા માટે તેમના પર દબાણ લાવવા શારીરિક હુમલો અને બળજબરી કરી હતી. આરોપીઓએ બંને વેપારીઓને બળજબરીથી એક SUVમાં બેસાડી દીધા અને ₹14.5 લાખની માંગણી સાથે તેમનું અપહરણ કર્યું હતું.

સમયસર મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા, ઘાસીપુરા પોલીસે રસ્તા પર વાહનને આંતર્યું હતું અને જમનભાઈ તથા છગનભાઈને હેમખેમ છોડાવ્યા હતા. પોલીસે બજરંગ લાલ અને તેના ડ્રાઈવર મુન્ના રામની ધરપકડ કરી છે અને અપહરણમાં વપરાયેલું વાહન પણ જપ્ત કર્યું હતું. 

ગુજરાતના બંને વેપારીઓએ ઘાસીપુરા પોલીસની ત્વરિત અને અસરકારક કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક પોલીસની શાનદાર કામગીરીના કારણે તેઓ સુરક્ષિત રીતે મુક્ત થઈ શક્યા હતા. તેઓએ આંતર-રાજ્ય વ્યાપારી વિવાદમાં પોલીસ ટીમની ઝડપી પ્રતિક્રિયાની પ્રશંસા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.