મુંબઈઃ સબર્બન રેલવેમાં ઓપરેશન સંબંધિત વિવિધ સમસ્યાને લઈ મધ્ય રેલવેએ વધુ સજ્જતા કેળવી છે. એટલે મધ્ય રેલવેએ મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર મુસાફરોની સુરક્ષા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. તમામ લોકલ ટ્રેનોમાં (સિગ્નલ લોકેશન એનાઉન્સમેન્ટ સિસ્ટમ (એસઆઈએલએએસ)ને અપગ્રેડ કરવામાં આવી છે, જે મોટરમેન માટે 'ઇલેક્ટ્રોનિક કો-પાઇલટ' તરીકે કામ કરશે. નવી સિસ્ટમને કારણે મોટરમેનને સુરક્ષિત અને ભૂલમુક્ત કામગીરીમાં મદદ મળી શકે.
અધિકારીએ જણાવ્યું હતું કે જીપીએસ-આધારિત સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કો-પાયલોટ તરીકે કાર્ય કરે છે જેમાં તે આવનારા સિગ્નલની સંખ્યા અને લોકેશનની માહિતી જેમ કે તે ડાબી બાજુ, એક્સ્ટ્રીમ ડાબી બાજુ, જમણી બાજુ કે એક્સ્ટ્રીમ જમણી બાજુ સ્થિત છે તેની સચોટ માહિતી આપે છે.
મધ્ય રેલવેના ઉપનગરીય નેટવર્ક પર દરરોજ 2,300થી વધુ લોકલ ટ્રેનો ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ હેઠળ ચલાવવામાં આવે છે. મોટા ભાગના સિગ્નલો ફક્ત 400-500 મીટરના અંતરે સ્થિત હોવાથી મોટરમેન ભારે ઓપરેશનલ દબાણ હેઠળ કામ કરે છે.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નીલ નીલાએ જણાવ્યું હતું કે મુંબઈ ઉપનગરીય મોટરમેન અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં "એકલા હાથે" કામ કરે છે. એસઆઈએલએએસને ઇલેક્ટ્રોનિક કો-પાઇલટ તરીકે કાર્ય કરવા માટે અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, જે તણાવ ઘટાડે છે અને કોઈ સિગ્નલ ચૂકી ન જવાય તેની ખાતરી કરીને સલામતીમાં વધારો કરે છે. ઉપનગરીય લોકલ ટ્રેનની ઓપરેશન કામગીરીમાં મધ્ય રેલ્વેના 'ઝીરો સ્પેડ' (જોખમી રીતે સિગ્નલ પસાર-એસપીએડ)ના લક્ષ્ય તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે.
અપગ્રેડેડ SILAS સિગ્નલથી 350 મીટર અને 250 મીટર નજીક પહોંચતા પહેલા ઓડિયો એલર્ટ આપે છે. મધ્ય રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીળા સિગ્નલના કિસ્સામાં સિસ્ટમ જ્યાં સુધી આગામી લીલો અથવા બે-પીળો સિગ્નલ દેખાય નહીં ત્યાં સુધી વારંવાર જાહેરાત કરે છે, "સાવધાન રહો, આગામી સિગ્નલ લાલ છે.
આ સિસ્ટમમાં દરેક રૂટ માટે પ્રી-લોડેડ જીપીએસ કોઓર્ડિનેટ્સ, સિગ્નલ લોકેશન અને ઓડિયો રેકોર્ડિંગ પણ છે. અધિકારીઓએ ઉમેર્યું કે આ સિસ્ટમ ઓપરેશનલ કંટ્રોલ માટે ઇએમયુ ટ્રેનોના રિઅલ-ટાઇમ ટ્રેન ટ્રેકિંગ અને સ્પીડ મોનિટરિંગને પણ સક્ષમ બનાવે છે.