Tue Aug 25 2026

Logo

નાણાકીય વર્ષ 2026માં એનએમડીસીનું આયર્ન ઑરનું ઉત્પાદન 5.3 કરોડ ટન

2026-04-03 21:04:01
Author: Ramesh Gohil
નાણાકીય વર્ષ 2026માં એનએમડીસીનું આયર્ન ઑરનું ઉત્પાદન 5.3 કરોડ ટન

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની આયર્ન ઑર ઉત્પાદક કંપની એનએમડીસીનું ગત 31મી માર્ચના અંતે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2025-26માં આયર્ન ઑરનું ઉત્પાદન 5.3 કરોડ ટનની સપાટીએ હ્હ્યું હતું, જ્યારે સ્ટીલનાં મુખ્ય કાચા માલના ઘટક ગણાતા આયર્ન ઑરનું કુલ વેચાણ 5.023 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું. 

કંપનીના જણાવ્યાનુસાર ગત નાણાકીય વર્ષમાં કંપનીનું કુલ ઉત્પાદન આગલા નાણાકીય વર્ષ 2025નાં 4.407 કરોડ ટન સામે 21 ટકા વધ્યું છે, જ્યારે વેચાણ આગલા વર્ષના 4.440 કરોડ ટન સામે 13 ટકા વધ્યું હતું. વધુમાં કંપનીની આંકડાકીય માહિતી અનુસાર ગત માર્ચ મહિનામાં કંપનીનું ઉત્પાદન 53.5 લાખ ટન અને વેચાણ 59 લાખ ટનના સ્તરે રહ્યું હતું. 

એનએમડીસીએ યાદીમાં ઉમેર્યું હતું કે ગત નાણાકીય વર્ષમાં કંપનીએ 5.3 કરોડ ટન આયર્ન ઑરના ઉત્પાદનનો ઐતિહાસિક સીમાચિહ્ન આંક હાંસલ કરતાં પહેલી એવી ખનનકર્તા કંપની બની છે કે જેણે વાર્ષિક ધોરણે પાંચ કરોડ ટન ઉત્પાદનનો આંક વટાવ્યો હોય. 

વર્ષ દરમિયાન ખાસ કરીને કંપનીની છત્તીસગઢ ખાતેની કિરણદુલ અને બછેલી તથા કર્ણાટકની દોનીમલાઈ ખાણની આકર્ષક કામગીરી રહેતાં કંપનીનું કુલ ઉત્પાદન 21 ટકાની વૃદ્ધિ સાથે 5.315 કરોડ ટનના સ્તરે અને વેચાણ 13 ટકાની વૃદ્ધિ સામે 5.023 કરોડ ટનના સ્તરે રહ્યું હતું અને કંપનીએ ઐતિહાસિક શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. 

વધુમાં કંપનીએ નાણાકીય વર્ષ 2026ને વિસ્તરણ અને પરિવર્તન માટે નિર્ણાયક રહ્યું હતું કેમ કે ગત સાલ દુબઈમાં આંતરરાષ્ટ્રીય કચેરીનું ઉદ્ઘાટન, ઝારખંડમાં પ્રથમ કોલસાની ખાણ સફળતાપૂર્વક કાર્યરત થઈ હતી અને છત્તીસગઢમાં બૈલાડિલા ખાતે ડિપોઝિટ-4ની કામગીરી શરૂ કરીને તેની ઉત્પાદન ક્ષમતા તથા વૈવિધ્યકરણની વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી. આમ હવે નાણાકીય વર્ષ 2027માં પણ મજબૂત વૃદ્ધિનો આશાવાદ સેવાઈ રહ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.