Wed Jun 10 2026

Logo

નીતિશ કુમારે MLC પદેથી, નીતિન નબીન ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

2026-03-30 12:07:00
Author: Mayurkumar Patel
Article Image

પટનાઃ બિહારથી બે મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને ધારાસભ્ય પદેથી અને નીતિશ કુમારે MLC પદેથી રાજીનામું સોંપ્યું છે.

નીતિન નબીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે સોમવારે બાંકીપુર વિધાનસભા મતવિસ્તારમાંથી પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. રાજ્યસભામાં ચૂંટાયા બાદ, બંધારણીય નિયમોનું પાલન કરતા તેમણે બિહાર વિધાનસભામાંથી પોતાનું રાજીનામું આપ્યું હતું. સંસદના ઉપલા ગૃહમાં પોતાની નવી સફર શરૂ કરતા પહેલા તેમણે બાંકીપુરની જનતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

બિહાર વિધાનસભા કાર્ય સંચાલન નિયમાવલી મુજબ, જો કોઈ સભ્ય બીજા ગૃહ માટે ચૂંટાય છે, તો તેણે 14 દિવસની અંદર રાજીનામું આપવું પડે છે. 16 માર્ચના રોજ નીતિન નબીન, મુખ્યપ્રધાન નીતિશ કુમાર, શિવેશ કુમાર, ઉપેન્દ્ર કુશવાહા અને રામનાથ ઠાકુર રાજ્યસભા માટે ચૂંટાયા હતા. આ સંજોગોમાં આજે એટલે કે 30 માર્ચના રોજ 14 દિવસની ડેડલાઇન પૂર્ણ થઈ રહી છે.

નીતિન નબીને પોતાના રાજીનામાની જાહેરાત કરતા એક ભાવુક સંદેશ શેર કર્યો હતો. તેમણે લખ્યું કે, જાન્યુઆરી 2006માં તેમના પિતા અને વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ નવીન કિશોર પ્રસાદ સિંહાના અવસાન બાદ, તેમણે એપ્રિલ 2006માં પટના પશ્ચિમની પેટાચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. છેલ્લા 20 વર્ષોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, પિતાજી દ્વારા સિંચાયેલા આ ક્ષેત્રને મેં હંમેશા મારા પરિવાર જેવું માન્યું છે. બાંકીપુરની દેવતુલ્ય જનતાએ મને સતત 5 વખત પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને જે સ્નેહ અને આશીર્વાદ આપ્યા છે, તે મારા માટે અમૂલ્ય છે.

મુખ્ય પ્રધાન નીતિશ કુમારે MLC પદેથી આપ્યું રાજીનામું

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે પણ આજે વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રી આવાસ પર જ બિહાર વિધાન પરિષદના સભાપતિ અવધેશ નારાયણ સિંહને રાજીનામું સોંપ્યું હતું. નીતિશ કુમારે છેલ્લીવાર 2004માં નાલંદાથી લોકસભાની ચૂંટણી લડી હતી. ત્યારથી તેઓ સતત વિધાન પરિષદના સભ્ય રહ્યા હતા.

કોણ બનશે બિહારના મુખ્ય પ્રધાન

નીતિશના રાજીનામા બાદ તેમના ઉત્તરાધિકારી પસંદ કરવાની કવાયત તેજ થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ  છે. વર્તમાન ડેપ્યુટી સીએમ અને ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ મુખ્ય પ્રધાન પદના પ્રબળ દાવેદાર તરીકે સામે આવ્યું છે. નિશાંત કુમારના નામની પણ અટકળો થઈ રહી છે.