Thu May 21 2026

Logo

નવી ટેક્નોલૉજી માટે અમેરિકી કંપનીઓ સાથે જોડાણ કરવા ગડકરીનું આહ્વાન

2026-05-21 20:09:48
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ભારતીય કંપનીઓને નવી ટેક્નોલૉજીનો લાભ લેવા માટે અમેરિકી કંપનીઓ સાથે સંયુક્ત સાહસ (જોઈન્ટ વેન્ચર) કરવા અનુરોધ કર્યો છે. 
અત્રે એસોચેમ દ્વારા આયોજિત વાર્ષિક લીડરશીપ સમિટને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે  કેન્દ્રીય માર્ગ પરિવહન આજે ધોરી માર્ગ મંત્રાલય માર્ગ પ્રોજેક્ટ માટે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ (ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવા માટે અમેરિકી ક્નસલ્ટન્સી કંપનીઓની મદદ લેવાની શક્યતાઓ શોધી રહ્યું છે. ભારત ઝડપભેર વિકસી રહેલું અર્થતંત્ર છે. અમેરિકાએ ઘણી નવી ટેક્નોલૉજીઓ વિકસાવી છે. આથી ભારતીય કંપનીઓ અમેરિકી કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવું જોઈએ, એમ તેમણે ઉમેર્યું હતું. 

પરિવહનમાં પુરવઠા ચેઈનની મહત્ત્વની ભૂમિકાની નોંધ લેતા તેમણે જણાવ્યું હતું કે એક્સ્પ્રેસવે અને ઈકોનોમિક કોરિડોરના ઝડપી વિસ્તરણને કારણે ભાવમાં ભારતમાં પરિવહન ખર્ચ ઘટીને એકાંકી સંખ્યામાં આવી ગયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે છ મહિના પહેલાં આઈઆઈટી કાનપુર અને આઈઆઈટી બેંગ્લોર દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ભારતમાં તૈયાર થયેલા એક્સ્પ્રેસ વે અને ઈકોનોમિક કોરિડોરને કારણે પરિવહન ખર્ચ જે અગાઉ 16 ટકા હતો તે ઘટીને 10 ટકા થઈ ગયો છે અને ખર્ચ એક આંકડામાં આવી ગયો છે. નોંધનીય બાબત એ છે કે અમેરિકા અને યુરોપિયન દેશોમાં પરિવહન ખર્ચ 12 ટકા અને ચીનમાં 10 ટકાના સ્તરે છે. 

વધુમાં ભારતીય ઑટોમોબાઈલ ક્ષેત્ર અંગે તેમણે કહ્યું હતું કે પાંચ વર્ષમાં અમારું લક્ષ્ય ભારતીય ઑટોમોબાઈલ ઉદ્યોગને વિશ્વના પ્રથમ ક્રમાંકે લઈ જવાનું છે. જ્યારે મેં પરિવહન મંત્રી તરીકે કારભાર સંભાળ્યો ત્યારે ભારતીય ઑટોમોબાઈલ ઉદ્યોગનું કદ રૂ. 14 લાખ કરોડનું હતું તે હવે વધીને 22 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે. દેશમાં ઑટોમોબાઈલ ક્ષેત્ર ચાર લાખ યુવાનોને રોજગારી પૂરી પાડે છે અને કેન્દ્ર તથા રાજ્યોને જીએસટીની સૌથી વધુ મહેસૂલી આવક પણ મળે છે. હાલમાં અમેરિકન ઑટોમોબાઈલ ઉદ્યોગનું કદ રૂ. 78 લાખ કરોડ, ચીનના ઑટોમોબાઈલ ઉદ્યોગનું કદ રૂ. 47 લાખ કરોડ અને ભારતીય ઑટોમોબાઈલ ઉદ્યોગનં કદ રૂ. 22 લાખ કરોડનું છે. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતની અશ્મિભૂત ઈંધણ પરની નિર્ભરતા એક આર્થિક બોજ છે, કારણ કે ઈંધણની આયાત પર વર્ષે રૂ. 22 લાખ કરોડનો ખર્ચ થાય છે અને સાથે સાથે પર્યાવરણિય જોખમ પણ છે જે દેશની પ્રગતિ માટે સ્વચ્છ ઊર્જા અપનાવવાનું નિર્ણાયક બનાવે છે. સરકારે વાહનોનું પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશથી ગ્રીન હાઈડ્રોજન સંચાલિત ટ્રકો ચલાવવા માટે દેશનાં વિવિઘ ભાગોમાં 10 ધોરી માર્ગો ઓળખી કાઢ્યા છે. જેમાં ગે્રટર નોઈડા-દિલ્હી-આગ્રા, ભુવનેશ્વર-પૂરી-કોનાર્ક, અમદાવાદ-વડોદરા-સુરત, સાહીબાબાદ-ફરીદાબાદ-દિલ્હી, જમશેદપુર-કલિંગનગર, તિરુવનંતપુરમ-કોચી અને જામનગર-અમદાવાદનો સમાવેશ થતો હોવાનું તેમણે ઉમેર્યું હતું.