Mon May 11 2026

Logo

અમેરિકામાં અમદાવાદીને થઈ 12 વર્ષની જેલ, PM મોદી પાસે માંગી આ મદદ

2026-05-11 12:23:00
Author: Mayur Kumar Patel
Article Image

AI Image


અમદાવાદઃ ગુજરાતમાંથી ઘણા લોકો અમેરિકા જઈને સેટ થયા છે. જોકે અમુક લોકો ત્યાં ગેરકાયદે કામ કરતી વખતે પકડાયાના પણ બનાવ સામે આવ્યા છે. આ દરમિયાન અમદાવાદના એક યુવકને અમેરિકાના વૃદ્ધો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાની જેલમાં 12 વર્ષની સજા કાપી રહેલા નારણપુરાના 44 વર્ષીય નીરવ પટેલે ભારત સરકાર પાસે રાજદ્વારી હસ્તક્ષેપની માંગ કરી છે. ઇલિનોઇસની થોમસન ફેડરલ જેલમાં બંધ નીરવે દાવો કર્યો છે કે, તેને અમદાવાદથી છેતરપિંડીનું કોલ સેન્ટર નેટવર્ક ચલાવતા તેના જ પરિવારના સભ્ય દ્વારા ફસાવવામાં આવ્યો છે. 

24 એપ્રિલના રોજ મોકલેલી વિગતવાર રજૂઆતમાં, નીરવે વડાપ્રધાન કાર્યાલય, વિદેશ મંત્રાલય અને ગુજરાત સરકારને કાયદાકીય અને માનવીય સહાય માટે અપીલ કરી છે. અમેરિકી કોર્ટના રેકોર્ડ મુજબ, નીરવને જૂન 2025માં વૃદ્ધો સાથેની છેતરપિંડીના કેસમાં 12 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

પત્રમાં નીરવે આક્ષેપ કર્યો છે કે તેનો સંબંધી દિનેશ ઉર્ફે ભોલા અથવા ડેની પટેલ (મૂળ નારણપુરા, હાલ એટલાન્ટા) આ આખા રેકેટનો માસ્ટરમાઇન્ડ છે. તેણે આક્ષેપ કર્યો કે દિનેશ અમદાવાદના નારણપુરા ગામમાંથી રાજકીય આશ્રય હેઠળ સંગઠિત કોલ સેન્ટર રેકેટ ચલાવતો હતો.

નીરવે લખ્યું છે કે, યુએસ સરકારે મારા પર છેતરપિંડીના આરોપો મૂક્યા છે, પરંતુ હું પૂરી નિષ્ઠા સાથે કહું છું કે આ આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. મારા જ સંબંધીએ મને માત્ર 400 ડૉલરની સામાન્ય રકમ આપીને પ્યાદા તરીકે વાપર્યો હતો.  આ કાયદેસરના દસ્તાવેજો અને પેમેન્ટ્સનું કલેક્શન હોવાનો મને વિશ્વાસ આપવામાં આવ્યો હતો.

રજૂઆત મુજબ, નીરવ ત્રણ વખત વિઝા રિજેક્ટ થયા બાદ વિઝિટર વિઝા પર અમેરિકા ગયો હતો. ત્યાં શરૂઆતમાં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કર્યા પછી, તેના સંબંધીએ તેને સોનાના બિસ્કિટ કલેક્ટ કરવાનું કામ સોંપ્યું હતું, જેમાં ફેડરલ એજન્સીઓએ તેની ધરપકડ કરી હતી.

પોતાની કરુણ સ્થિતિ વર્ણવતા નીરવે લખ્યું કે, સારવારના અભાવે તેની માતાનું અવસાન થયું અને તે અંતિમ સંસ્કારમાં પણ જઈ શક્યો નહીં. તેના 80 વર્ષીય પિતા હાથ-પગમાં ફ્રેક્ચર હોવા છતાં ગુજરાન ચલાવવા રિક્ષા ચલાવે છે અને બાળકોનો અભ્યાસ પણ છૂટી ગયો છે. પોતાને નિર્દોષ અને લાચાર ભારતીય ગણાવીને તેણે વૉશિંગ્ટન અને શિકાગો સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા કાયદાકીય સહાય મળે તેવી વિનંતી કરી છે.