Tue Oct 06 2026

Logo

ઇરાન-અમેરિકા યુદ્ધની અસરથી ભારતીય માર્કેટનો મૂડ બગડ્યો, સેન્સેકસમાં 800 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 23,300ની નીચે

2026-06-03 09:58:00
Author: Mumbai Samachar Team
ઇરાન-અમેરિકા યુદ્ધની અસરથી ભારતીય માર્કેટનો મૂડ બગડ્યો, સેન્સેકસમાં 800 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 23,300ની નીચે

અમદાવાદઃ ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ઘેરાયેલા વાદળો અને તેની અસર વૈશ્વિક ક્રૂડના ભાવો પર દેખાઇ છે. ક્રૂડના ભાવોમાં વધારાથી ભારતીય શેરબજારો બુધવારના સેશનમાં સામાન્ય ઘટાડા સાથે ઓપન થયા બાદે તેમાં મોટા કડાકા જોવા મળ્યા. બ્રેન્ટ ક્રૂડ વધીને 97 ડોલરની સપાટીએ જોવા મળ્યું. સેન્સેક્સ મંગળવારે  74,649.84ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારના સેશનમાં સેન્સેક્સ 142.11ના ઘટાડા સાથે 74,507.73ની સપાટીએ ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી મંગળવારે 23,483.55ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારના સેશનમાં નિફ્ટી 67.6ના ઘટાડા સાથે 23,415.95ની સપાટીએ ખુલ્યો હતો. 

સેન્સેક્સ સામાન્ય ઘટાડા સાથે ખુલ્યા બાદ તેમાં 800થી વધુ પોઇન્ટનો કડાકો જોવા મળ્યો જ્યારે નિફ્ટી 200થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે 23,300ની નીચે આવી ગયો. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ પર નજર કરીએ તો આઇટી સેક્ટરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. ટીસીએસ, એચસીએલ, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ઇટરર્નલ માર્કેટમાં નીચેની તરફ લઇ ગયા. જો ગેઇનર્સની વાત કરીએ તો ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, એપોલો હોસ્પિટલ, ONGC, કોલ ઇન્ડિયાએ પણ બજારને નેગેટિવ ઝોનમાં લાવી દીધું. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપમાં પણ લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો. 

એશિયન બજારો

ગિફ્ટ નિફ્ટી લગભગ 1 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. આ  ઉપરાંત હેંગસેંગ, જકાર્તા કોમ્પોઝિટમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો. જ્યારે નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, શાંઘાઇ કોમ્પોઝિટમાં લીલા નિશાનમાં કારોબાર જોવા મળ્યો.