નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ આજે પોર્ટુગલથી પ્રત્યાર્પણ સફળતાપૂર્વક મેળવ્યા બાદ વોન્ટેડ નાર્કો-ટેરરિસ્ટ ઇકબાલ સિંહ ઉર્ફે શેરાની ધરપકડ કરી હતી. પોર્ટુગલથી પહોંચ્યા પછી તરત જ એનઆઈએની ટીમે દિલ્હી એરપોર્ટ પર તેને કસ્ટડીમાં લીધો હતો. જ્યાં તે ૨૦૨૦માં ફરાર થઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેનું સફળ પ્રત્યાર્પણ અને ધરપકડ પાકિસ્તાન સમર્થિત નાર્કો અને સરહદ પાર આતંકવાદ સામે એનઆઈએની લડાઈ માટે એક મોટી સફળતા છે.
તપાસ દરમિયાન, એનઆઈએએ શોધી કાઢ્યું હતું કે શેરા પાકિસ્તાનથી હેરોઈનની દાણચોરીમાં રોકાયેલા ભારત સ્થિત નાર્કો-ટેરર મોડ્યુલનો મુખ્ય કાવતરું ઘડનાર અને હેન્ડલર હતો. પંજાબના અમૃતસરના વતની, શેરાએ પાકિસ્તાનથી પંજાબમાં માદક દ્રવ્યોની દાણચોરીનું કાવતરું ઘડ્યું હતું, એવું તપાસ એજન્સીએ જણાવ્યું હતું.
એનઆઈએના જણાવ્યા મુજબ, તેણે દાણચોરી કરાયેલા ડ્રગ્સની હેરફેર અને વિતરણનું સંકલન અને દેખરેખ રાખી હતી, અને આતંકવાદી પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે હવાલા નેટવર્ક દ્વારા પાકિસ્તાન અને કાશ્મીર સ્થિત હિઝબુલ-મુજાહિદ્દીન આતંકવાદી સંગઠનના કાર્યકરોને આવક પહોંચાડી હતી.
ધરપકડ કરાયેલ ભાગેડુ પર ઓક્ટોબર ૨૦૨૦થી આ કેસમાં તેની સામે બિન-જામીનપાત્ર ધરપકડ વોરંટ હતું. જૂન ૨૦૨૧થી તેની ધરપકડ માટે ઇન્ટરપોલ નોટિસ પણ જારી કરવામાં આવી હતી. બાદમાં, દિલ્હીની એક કોર્ટે શેરાને પંજાબ લઈ જવા માટે એનઆઈએને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડની મંજૂરી આપી હતી.
એનઆઈએએ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પીતાંબર દત્ત સમક્ષ રજૂ કર્યો હતો અને પંજાબના મોહાલી લઈ જવા માટે ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
એજન્સીના જણાવ્યા અનુસાર, ભારત વિરોધી નાર્કો ટેરર કાવતરાને આગળ વધારવા માટે, શેરાએ એક આતંકવાદી ગેંગ બનાવી હતી અને પંજાબ સ્થિત એક નેટવર્ક ચલાવ્યું હતું જે મોટા પ્રમાણમાં હેરોઈનની હેરાફેરી, વેચાણની રકમ એકત્રિત કરવા અને હેન્ડલર્સ અને આતંકવાદી કાર્યકરોને ભંડોળ ટ્રાન્સફર કરવામાં સામેલ હતું.
હિઝબુલ-મુજાહિદ્દીનના ઓવરગ્રાઉન્ડ વર્કર, હિલાલ અહેમદ શેરગોજરીની ધરપકડ બાદ પંજાબ પોલીસે મૂળ કેસ નોંધ્યો હતો. એનઆઈએએ કેસ સંભાળ્યા પછી, મોડ્યુલને તોડી પાડવા અને શેરાના પ્રત્યાર્પણને સુરક્ષિત કરવા માટે મોટા પાયે પ્રયાસો શરૂ કર્યા હતા.