Thu Jun 11 2026

Logo

ટીએમસી કોંગ્રેસમાં 'ભળી' જશે? ત્રણ કલાક ચાલેલી બેઠકમાં લેવાયો 'મોટો' નિર્ણય

2026-06-11 16:53:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ કોંગ્રેસની દિલ્હીમાં ઈન્દિરા ભવન ખાતે એક મોટી અને મહત્વની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના અનેક મોટા નેતાઓ હાજર રહ્યાં હતાં. મહત્વની વાત એ છે કે આ બેઠકમાં ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી)ને લઈને કોઈ ચર્ચાઓ થઈ નથી. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીનું કોંગ્રેસમાં વિલીનીકરણ થવાનું છે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, પરંતુ તે તમામ દાવાઓ પર વિરામ લાગી ગયો છે. દિલ્હીમાં ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં આ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. જેથી તે વિલીનીકરણના દાવા પોકળ સાબિત થયાં છે. 

કોંગ્રેસના નેતાએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

ટીએમસના વિલીનીકરણના અંગે વાત કરતા કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, આ માત્ર એક અફવા છે, તેમાં કોઈ હકીકત છે જ નહીં. આ બેઠકમાં માત્ર  INDI ગઠબંધનને વધારેમાં વધારે મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. વિલીનીકરણ અંગે કોઈ ચર્ચા થઈ નથી. એટલે તે દાવાઓ બધા ખોટા છે. અત્યારે દેશમાં મોંઘવારી કેટલી હદે વધી રહી છે. ગેસ અને પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, પેપર લીક થઈ રહ્યાં છે, છેલ્લા ત્રણ મહિનાઓથી દેશમાં અલગ અલગ વિસ્તારોમાં અમે પ્રદર્શન કરી રહ્યાં છીએ, તે મુદ્દાઓ પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી છે. 

ઝારખંડમાં ભાજપ સમર્થિત ઉમેદવાર મુદ્દે કોંગ્રેસ નારાજ

ચૂંટણી પંચ દ્વારા પક્ષાપક્ષી કરવામાં આવી રહી છે. મિનાક્ષી નટરાજનની ઉમેદવારી ફોર્મ રદ્દ કરી દેવામાં આવ્યું પરંતુ ઝારખંડમાં ભાજપ સમર્થિત નેતા સાથે શું થયું? ઝારખંડમાં ચૂંટણી પંચ ભાજપ સમર્થિત ઉમેદવારના સમર્થનમાં આવ્યું? આવું શા માટે થઈ રહ્યું છે? આ મામલે કોંગ્રેસે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હતી, આ મામલે તમામ વિગતો પણ જણાવાવમાં આવી પરંતુ ચૂંટણી પંચ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી આ મુદ્દે કોંગ્રેસ રાજકીય અને કાયદાકીય એમ બંને રીતે લડશે એમ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું.

પેપર લીક થઈ રહ્યાં છે અને વિશ્વમાં ભારતની છાપ ધૂંધળી થઈ તે અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર વાક્ પ્રહાર કર્યાં હતા. રાહુલ ગાંઘીએ કહ્યું કે, દેશને મોદીએ ખતમ કરી દીધો છે. હવે બેરોજગારી અને પેપર લીક જેવા મુદ્દાઓ પર કોંગ્રેસ દેશવ્યાપી પ્રદર્શન કરશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ મુદ્દાઓ પર પહેલી રેલી દિલ્હીથી શરૂ કરવામાં આવશે.