Tue Aug 25 2026

Logo

નેપાળમાં ચમત્કારઃ લેન્ડિંગ વખતે હેલિકોપ્ટર ક્રેશ, પણ પ્રવાસીઓ બચ્યા, જુઓ વાયરલ વીડિયો

Kathmandu   2026-03-18 20:48:21
Author: Mumbai Samachar Team
નેપાળમાં ચમત્કારઃ લેન્ડિંગ વખતે હેલિકોપ્ટર ક્રેશ, પણ પ્રવાસીઓ બચ્યા, જુઓ વાયરલ વીડિયો

કાઠમંડુઃ નેપાળના ખોટાંગ જિલ્લામાં બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. એક હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન અચાનક પલટી જતાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ હેલિકોપ્ટરમાં એક જ પરિવારના પાંચ સભ્યો સવાર હતા. તેઓ કાઠમંડુથી પરિવારના એક સભ્યના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ખોટાંગ જઇ રહ્યા હતા. જો કે કોઇ મોટી જાનહાનિ થઇ ન હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર નાગમણિ રાઇના પત્ની મનમછી રાઇનું યુકેમાં નિધન થયું હતું અને તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે નેપાળ લાવવામાં આવી રહ્યો હતો. હેલિકોપ્ટરમાં જગ્યા ઓછી હોવાથી મૃતદેહને વાહન દ્વારા લઇ જવામાં આવ્યો હતો. જ્યારે પરિવારના સભ્યો હવાઇ માર્ગે ખોટાંગ જઇ રહ્યા હતા. આ દરમિયાન લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. 

નેપાળ નાગરિક ઉડ્ડયન સત્તામંડળના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરે સવારે ૧૧ વાગ્યે કાઠમંડુથી ઉડાન ભરી હતી. લગભગ ૫૦ મિનિટ પછી ખોટાંગના કેપિલાસગઢીમાં ઉતરાણ કરતી વખતે સંતુલન ગુમાવી દેતા જમીન પર ક્રેશ થયું હતું. જો કે સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. 
હેલિકોપ્ટરમાંથી પાઇલટ સહિત તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. જ્યારે એક વ્યક્તિને પગમાં સામાન્ય ઇજા થઇ હતી. જોકે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી લોકોએ પાઈલટની સૂઝબૂઝની પ્રશંસા કરી હતી. પાઈલટની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.