અમદાવાદ/મુંબઈ/નવી દિલ્હીઃ પેપર લીક વિવાદ બાદ આયોજિત કરાયેલી NEETની રી-પરીક્ષા આજે બપોરે 02:00 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે, જે સાંજે 5:15 વાગ્યા સુધી ચાલશે. પેપર લીકની ઘટના બાદ આ વખતે માત્ર વિદ્યાર્થીઓની જ નહીં, પરંતુ સમગ્ર પરીક્ષા સિસ્ટમની પણ કસોટી થઈ રહી હોય તેવો માહોલ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને સ્થાનિક પોલીસ દ્વારા અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યાં અમુક જગ્યાએ વિદ્યાર્થીઓ મોડા પડવાના કિસ્સા બન્યા હતા તો અમુક જગ્યાએ વહીવટી પ્રશાસનની કામગીરી પર સવાલ કરવામાં આવ્યા હતા.
બેંગ્લુરુમાં વિદ્યાર્થિઓ મોડી પડતા એન્ટ્રી મળી નહીં
પરીક્ષાની કડક સમયમર્યાદા વચ્ચે બેંગ્લુરુની આરસી ગવર્મેન્ટ કોલેજ કેન્દ્ર પરથી એક અત્યંત ભાવુક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બપોરે 01:30 વાગ્યે પરીક્ષા કેન્દ્રનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ગેટ બંધ થયાના 2 મિનિટ પછી, એટલે કે 01:32 વાગ્યે ત્રણ વિદ્યાર્થિની હાંફતી-હાંફતી કેન્દ્ર પર પહોંચી હતી. ગેટ બંધ જોઈને વિદ્યાર્થિની અને તેમના વાલીઓ ગભરાઈ ગયા હતા. ગભરાયેલી ત્રણેય છોકરીઓ મુખ્ય ગેટની રેલિંગ પર ચઢીને અંદર કૂદી પડી હતી. જો કે, અંદર ગયા પછી પણ નસીબે સાથ ન આપ્યો અને પરીક્ષા હોલનો મુખ્ય દરવાજો પણ લોક મળ્યો હતો. આ મામલે વાલીઓએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસની રેલીના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ હતો. તેઓ ઘરેથી સમયસર નીકળ્યા હોવા છતાં ટ્રાફિકને કારણે માત્ર 2 મિનિટ મોડા પડ્યા હતા.
79,000થી વધુ ઉમેદવાર પરીક્ષાર્થી
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના વિવિધ શહેરોમાં 211 પરીક્ષા કેન્દ્રો પર કુલ 79,411 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. ઉમેદવારોને સવારે 11:00 વાગ્યાથી બપોરે 01:30 વાગ્યા સુધી જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રોની બહાર મેટલ ડિટેક્ટર વડે વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરાયું હતું. ગેરરીતિ અટકાવવા માટે ઉમેદવારોના મોજાં પણ કેન્દ્રની બહાર ઉતરાવી લેવાયા હતા.
આ ઉપરાંત સાદી કાંડા ઘડિયાળ, રૂમાલ અને રોકડ પૈસા જેવી વસ્તુઓ પણ બહાર રખાવી દેવામાં આવી હતી. અમદાવાદમાં રી-નીટ પરીક્ષા કેન્દ્રની બહાર બબાલ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આર જે ટેબરીવાલ સ્કૂલના સેન્ટર પર પરીક્ષાર્થીઓ વચ્ચે ભેદભાવનો આરોપ મૂક્યો હતો. પરીક્ષા કેન્દ્ર પર આવનારા ઉમેદવારોની કડક ચકાસણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીના ગળામાંથી કંઠી કઢાવવામાં આવતા વિવાદ થયો હતો.
વિદ્યાર્થીઓ માટે ખાસ બસોની વ્યવસ્થા
NEETની પરીક્ષાની પરીક્ષાને લઈને મહારાષ્ટ્રમાં વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. અનેક જિલ્લાઓમાં પોલીસ અને શિક્ષણ વિભાગ સંયુક્ત રીતે મોનિટરિંગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને સેન્ટર સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા 100 બસો અને મુંબઈમાં 63 કેન્દ્ર માટે 60 વધારાની સ્પેશિયલ બસો દોડાવવામાં આવી છે.
ગેરરીતિઓ રોકવા મલ્ટિલેયર સુરક્ષા
મહારાષ્ટ્રના મુખ્ય જિલ્લાઓમાં કેન્દ્રોની સ્થિતિની વાત કરવામાં આવે તો નાગપુરમાં 30 પરીક્ષા કેન્દ્રો પર 12,512 પરીક્ષાર્થીઓ, અહિલ્યાનગરમાં 12 પરીક્ષા કેન્દ્રો પર 5,385 વિદ્યાર્થીઓ અને લાતુરમાં 24 પરીક્ષા કેન્દ્રો પર આશરે 14,000 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. આ પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગરબડ કે ગેરરીતિની શક્યતાઓને નાબૂદ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે મલ્ટી-લેયર સુરક્ષા વ્યવસ્થા લાગુ કરી છે. દેશભમાં રી-પરીક્ષાના સખત ચક્રવ્યૂહ વચ્ચે સંપન્ન કરવામાં આવશે, જેમાં રાજસ્થાનના દોસા અને હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં એક્ટ 163 લાગુ કરી છે, જેમાં પરીક્ષા કેન્દ્રમાં 300 મીટરની પરિધિમાં કોચિંગ સેન્ટર્સ અને ફોટોકોપીની દુકાનો પણ બંધ કરવામાં આવી છે.
દરમિયાન સીતામઢીમાં જેલના કેદીઓ પણ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. મુંબઈમાં નીટની પરીક્ષાને કારણે બ્લોક રદ કરવામાં આવ્યો હતો, જ્યારે મુંબઈ-અમદાવાદ (મણીનગર) વચ્ચે પણ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી હતી. નાગપુર જિલ્લામાં 30 કેન્દ્ર પર 12,512 અભ્યર્થી સીસીટીવી દેખરેખ, ફ્રિસ્ક્રિંગ સહિત સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવામાં આવી હતી.