નવી દિલ્હી: નીટ-2026 એક્ઝામ પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. પેપર લીકથી ઉભા થયેલા વિવાદ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ મોટો નિર્ણય લઇને પરીક્ષા રદ્દ કરી છે. એનટીએએ કહ્યું કે તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. તેમજ નવી તારીખોની જાહેરાત વહેલી તકે કરવામાં આવશે. તેમજ નીટ પરીક્ષા રદ્દ થયા બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. તેમજ કહ્યું હતું કે આ યુવાનોના ભવિષ્ય સાથે રમત રમવામાં આવી રહી છે.
શિક્ષણ પ્રણાલીમાં સંગઠિત ભ્રષ્ટાચારનું ઉદાહરણ
NEET પરીક્ષા રદ થયા બાદ કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આ ભ્રષ્ટ ભાજપ નેતૃત્વવાળી સિસ્ટમે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત, ત્યાગ અને સપનાઓને કચડી નાખ્યા છે. તેમના પિતાઓએ લોન લીધી માતાઓએ તેમના ઘરેણાં વેચી દીધા અને લાખો વિદ્યાર્થીઓ આખી રાત જાગીને અભ્યાસ કરતા રહ્યા. પરંતુ તેના બદલામાં પેપર લીક મળ્યું છે. આ સરકારી બેદરકારી અને શિક્ષણ પ્રણાલીમાં સંગઠિત ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે.
પેપર લીક અને પરીક્ષામાં ગોટાળા ભાજપ સરકારની ઓળખ : કોંગ્રેસ
આ સરકારની નિષ્ફળતા નહિ પરંતુ યુવાનોના ભવિષ્ય સાથે રમત છે. જેમાં વારંવાર પેપર માફિયા છટકી જાય છે અને જ્યારે પ્રામાણિક વિદ્યાર્થીઓ સજા ભોગવે છે.જ્યારે કોંગ્રેસે એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે, આ પ્રથમ વાર નથી - મોદી સરકારના કાર્યકાળના માત્ર 10 વર્ષમાં 89 થી વધુ પેપર લીક થયા છે. પેપર લીક અને પરીક્ષામાં ગોટાળા ભાજપ સરકારની ઓળખ બની ગયા છે.
રાજસ્થાનની ભાજપ સરકારે આ બાબત છુપાવવાનો પ્રયાસ કર્યો
જયારે પેપર લીક મુદ્દે રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે NEETપરીક્ષા રદ કરવી દર્શાવે છે કે મોટા પાયે ગેરરીતિઓ થઈ છે. રાજસ્થાનની ભાજપ સરકારે જાણી જોઈને બે અઠવાડિયા સુધી આ બાબતને છુપાવવાનો પ્રયાસ કર્યો. જેનાથી યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ. જ્યારે એનટીએ પરીક્ષા રદ કરીને અને તપાસ સીબીઆઈને સોંપીને યુવાનોના હિતમાં એક સાહસિક નિર્ણય લીધો છે.
ડીએમકે કહ્યું એનટીએમાં આરએસએસ સાથે સંકળાયેલા લોકો
જ્યારે ડીએમકે પ્રવક્તા સરવનન અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે આ ખૂબ જ નિંદનીય છે. આ 'સંગઠિત લૂંટ'નું એક સ્વરૂપ છે. ભાજપ સરકાર પેપરલીક રોકવામાં નિષ્ફળ ગઈ છે. એનટીએ એવી સંસ્થા છે જેમાં આરએસએસ સાથે સંકળાયેલા લોકો છે. જેના લીધે આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે.
ભાજપે શિક્ષણ માફિયા સાથીઓને ફાયદો કરાવ્યો : આપ
જ્યારે આમ આદમી પાર્ટીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ પરીક્ષા રદ થતાં દેશભરમાં લાખો વિદ્યાર્થીઓનું મનોબળ તોડયા બાદ મોદી સરકાર હવે ન્યાયની મજાક ઉડાવી રહી છે. તેમણે તેમના શિક્ષણ માફિયા સાથીઓને ફાયદો કરાવ્યો છે. પેપર લીકના પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની મહેનતથી કમાયેલી બચત બરબાદ થઇ છે. તેમજ વિદ્યાર્થીઓના મુસાફરી ખર્ચ,રહેવાનો ખર્ચ અને મહિનાઓની સખત તૈયારી બધું જ પાણીમાં ગયું છે.