Fri Jun 26 2026

Logo

NCERT પુસ્તક: નિષ્પક્ષ ચૂંટણી માટે ચૂંટણી પંચની સરાહના, જાણો શું છે આ નવો ફેરફાર

2026-06-26 19:22:56
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મતદાર યાદી સુધારણા માટે ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(એસઆઇઆર)નો હવે એનસીઇઆરટીના ધોરણ નવના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં તેને એક એવી પ્રક્રિયા તરીકે દર્શાવવામાં આવી છે કે જેથી ખાતરી કરી શકાય કે કોઇ પણ લાયક નાગરિક મતદાર યાદીમાંથી બાકાત ન રહે અને કોઇ અયોગ્ય વ્યક્તિનો સમાવેશ ન થાય.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ(એનસીઇઆરટી)ના નવા પુસ્તકમાં ખોટા સમાચાર, ખોટી માહિતી અને ધાકધમકી જેવા પડકારો છતાં નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા બદલ ભારતના ચૂંટણી પંચ(ઇસીઆઇ)ની પ્રશંસા કરવામાં આવી છે.

એસઆઇઆરના કારણે અત્યાર સુધીમાં મતદાર યાદીમાંથી લગભગ ૬ કરોડ નામો હટાવવામાં આવ્યા છે. એસઆઇઆરના લીધે વિરોધ પક્ષો અને ઇસીઆઇ વચ્ચે તણાવ પેદા થયો છે. આ પ્રક્રિયાને એક વર્ષ પૂર્ણ થયું છે અને તે ૧૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહી છે. ગત વર્ષે બિહારમાં રાજ્યની ચૂંટણી પહેલા પાયલટ એસઆઇઆર શરૂ કરવામાં આવ્યું હતું.

પુસ્તકમાં જણાવાયું છે કે ઇસીઆઇ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) પણ કરે છે. જેમાં મતદાર યાદી અપડેટ કરવી, વેરિફાઇ કરવી અને તેમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે. 

એસઆઇઆર દ્વારા કોઇપણ લાયક નાગરિક બાકાત ન રહે અને કોઇ અયોગ્ય વ્યક્તિ મતદાર યાદીમાં સામેલ ન થાય તેની ખાતરી કરવામાં આવે છે. તેમાં એમ પણ જણાવાયું છે કે એસઆઇઆર હેઠળ મતદારનું મૃત્યુ, રહેઠાણમાં ફેરફાર, ડુપ્લિકેટ નોંધણી અને કાયમ માટે શોધી ન શકાય તેવા કારણોના આધારે પણ નામો હટાવવામાં આવે છે.